કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્વારા ૧૫ મેના રોજ ધારી તાલુકાના ખેડૂત ઉત્પાદક સંગઠન ખાતે ખાસ ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સંગઠનના ચેરમેન ભાવનાબેન ગોંડલીયાના સહયોગથી ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવા તેમજ ખરીફ ઋતુ પૂર્વે બિયારણની ખરીદી કરતી વખતે રાખવી પડતી તકેદારીઓ વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી.આ પ્રસંગે કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. મિનાક્ષી કે. બારીયાએ જમીન અને પાણીના પૃથ્થકરણનું મહત્વ સમજાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે ખાતરનો સંતુલિત ઉપયોગ કરવાથી જમીનની ઉપજાઉ શક્તિ લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને પાકના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. સાથે જ વિષય નિષ્ણાત ડો. સ્વેતાબેન પટેલે પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
તેમણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જૈવિક ઉત્પાદનો જેવા કે જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે લાભદાયક ફૂગ ‘ગીર સાવજ ટ્રાયકોડર્મા’ અને જૈવિક જીવાત નિયંત્રણ માટે ઉપયોગી ‘બ્યુવેરીયા’ જીવાણુજન્ય ફૂગના વપરાશ અંગે અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.







































