અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ ડીઝલની ભારે તંગી સર્જાઈ છે, જેના કારણે ખાસ કરીને જગતના તાત ગણાતા ખેડૂતોની હાલત અત્યંત બદતર જોવા મળી રહી છે. અત્યારે પાકની સીઝન નજીક આવી રહી હોવાથી ખેતીકામ માટે ડીઝલની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ બૂંદ-બૂંદ ડીઝલ મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી પેટ્રોલ પંપો પર ધક્કા ખાવા પડી રહ્યા છે. બીજી તરફ, જિલ્લાના રાજકીય નેતાઓ એસી ચેમ્બરોમાં બેસીને ખેડૂતોની આ ગંભીર મુશ્કેલી હલ કરવાને બદલે માત્ર રાજકીય તાયફાઓ અને કાર્યક્રમોમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ લોકોને બિનજરૂરી ઈંધણ ન વાપરવાની સલાહ આપી છે, પરંતુ ખેતીપાકમાં ઉપયોગી એવાં ટ્રેક્ટર અને અન્ય સાધનો ચલાવવા માટે ડીઝલ અનિવાર્ય હોવા છતાં ખેડૂતોને તે સરળતાથી મળતું નથી.આ બાબતે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈંધણની કોઈ અછત નથી, પરંતુ જમીની વાસ્તવિકતા આ સરકારી દાવાઓ કરતાં તદ્દન અલગ અને ચિંતાજનક છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સરકારી અધિકારીઓએ પેટ્રોલ પંપ સંચાલકોને પોતાની સરકારી ગાડીઓ માટે ડીઝલનો જથ્થો અનામત રાખવાની મૌખિક સૂચનાઓ આપી દીધી છે, જેના કારણે સામાન્ય જનતા માટે મુશ્કેલી વધી છે. કપરી પરિસ્થિતિ તો એ છે કે રાજુલા અને જાફરાબાદ પંથકમાં ઈમરજન્સી સેવા આપતી એમ્બ્યુલન્સમાં પૂરવા માટે પણ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ નહોતો, જે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. ટૂંક સમયમાં જ ચોમાસુ પાકની સીઝન શરૂ થવાની છે, ત્યારે જમીનના લેવલિંગ અને ખેડ કરવા માટે ટ્રેક્ટર સહિતના
કૃષિ વાહનોમાં ડીઝલની પુષ્કળ જરૂરિયાત પડવાની છે, પરંતુ ખેડૂત અત્યારથી જ દર-દર ભટકી રહ્યો છે. તાજેતરમાં જ કલેક્ટરના અધ્યક્ષસ્થાને ધારાસભ્યોની હાજરીમાં ફરિયાદ અને સંકલનની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં આટલી મોટી કટોકટી હોવા છતાં કોઈ પણ ધારાસભ્યએ ખેડૂતોના હિતમાં ડીઝલની અછત બાબતે રજૂઆત કરી ન હોવાનું બહાર આવ્યું છે.
લોકશાહીમાં ખેડૂતોના કિંમતી મતોના આધારે ચૂંટણી જીતીને સત્તા ભોગવતા નેતાઓ ડીઝલની કટોકટી દૂર કરવા માટે કોઈ નક્કર કામગીરી કે રજૂઆત કરતા નથી. ખેડૂતો ડીઝલ માટે આટલા પીડાઈ રહ્યા છે છતાં જિલ્લાના જવાબદાર નેતાઓનું પેટનું પાણી હલતું નથી. છેલ્લા એક અઠવાડિયાથી કાળઝાળ ગરમીમાં ખેડૂતો લાઈનોમાં ઊભા છે અને રાજકીય નેતાઓ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા છે.