ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા નિરાશાજનક પરિણામો બાદ હવે પક્ષમાં આંતરિક હલચલ તેજ બની ગઈ છે. તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ઘણા વિસ્તારોમાં કારમો પરાજય સહન કરવો પડ્યો છે. પરિણામે હવે પક્ષની અંદર આત્મમંથન સાથે જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

ચૂંટણી પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરી છેલ્લા બે દિવસથી દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે બેઠક માટે પ્રયત્નશીલ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે કોંગ્રેસ હાઈકમાન્ડ હાલ કેરળના મુખ્યમંત્રીની પસંદગીની પ્રક્રિયામાં વ્યસ્ત હોવાથી ગુજરાતના મુદ્દે ચર્ચા મુલતવી રહી હતી. હવે ગુરુવાર બાદ ગુજરાત કોંગ્રેસના પરાજય અને આગામી વ્યૂહરચના અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાય તેવી શક્્યતા વ્યક્ત થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખો, નિરીક્ષકો અને પ્રભારીઓ પાસેથી ચૂંટણી અંગેના અહેવાલ મંગાવવામાં આવ્યા હતા. આ અહેવાલોમાં પરાજય માટે અનેક કારણો સામે આવ્યા છે. ખાસ કરીને ઉમેદવારી ફાળવણીમાં ભારે અસંતોષ હોવાનું સામે આવ્યું છે. જિલ્લા સ્તરે સર્વસંમતિથી મોકલાયેલા નામોને અવગણીને પ્રદેશ નેતૃત્વ દ્વારા પોતાની પસંદગીના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જેના કારણે અનેક સ્થળોએ બળવો, આંતરિક વિરોધ અને મતવિભાગ સર્જાયો હતો.

કોંગ્રેસ માટે સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે શહેરી વિસ્તારોમાં પહેલેથી નબળું સંગઠન ગ્રામ્ય વિસ્તારોમાં પણ અસરકારક રીતે મતદારો સુધી પહોંચી શક્યું નહોતું. ભાજપ વિરોધી માહોલ હોવા છતાં કોંગ્રેસ તેનાથી રાજકીય લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહી હોવાનું પક્ષના આંતરિક મૂલ્યાંકનમાં સામે આવ્યું છે.

ચૂંટણી દરમિયાન કેટલાક આગેવાનો દ્વારા પક્ષવિરોધી પ્રવૃત્તિ કરાઈ હોવાના પણ ગંભીર આક્ષેપો થયા છે. અનેક જગ્યાએ અધિકૃત ઉમેદવાર વિરુદ્ધ કામ કરવું, બળવાખોર ઉમેદવારોને મદદ કરવી અથવા ચૂંટણી દરમિયાન નિક્રિય રહેવા જેવી બાબતોને લઈ હવે શિસ્તભંગની કાર્યવાહીનો માહોલ તૈયાર થયો છે. પક્ષ દ્વારા આવા આગેવાનોની યાદી તૈયાર કરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

કોંગ્રેસ હાઈકમાન્ડ આગામી દિવસોમાં ગુજરાત સંગઠનમાં મોટા ફેરફારો કરે તેવી ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. કેટલાક જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓની જવાબદારી બદલાઈ શકે છે, જ્યારે સંગઠનને નવી દિશા આપવા યુવા નેતૃત્વને આગળ લાવવાની શક્યતાઓ પણ ચર્ચામાં છે.