અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગીર પૂર્વ અને પશ્ચિમ વનવિભાગમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયાના પ્રકોપ વચ્ચે વધુ એક સિંહનું મોત નીપજ્યું છે, જેનાથી કુલ મૃત્યુઆંક ૯ પર પહોંચી ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક બાદ ગાંધીનગર વનવિભાગની ટીમ તાત્કાલિક ગીર દોડી આવી છે. આ ટીમમાં PCCF ભવાની પતી, CCF રામ રતન નાલા અને વરિષ્ઠ તબીબો સામેલ છે.
ઉચ્ચ અધિકારીઓનો આ કાફલો જસાધાર એનિમલ કેર સેન્ટર પહોંચ્યો હતો અને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા સિંહોના સ્વાસ્થ્યની સમીક્ષા કરી હતી. જોકે, અધિકારીઓ દ્વારા સિંહોના મોતની સત્તાવાર માહિતી છુપાવવામાં આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્‌યું છે. સંકટને પહોંચી વળવા માટે જંગલના અનુભવી જૂના અધિકારીઓ અને RFO ડા. રાજન જાદવ, બી.બી.વાળા સહિત ફોરેસ્ટરોની ટીમને તાત્કાલિક જસાધાર રેન્જમાં હાજર થવા હુકમ કરાયો છે. હાલ સિંહોને બચાવવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ ચિંતાજનક હોવાથી તપાસ ટીમે મીડિયાને વિગતો આપવાનો ઇનકાર કર્યો છે.