અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મિત્રની હત્યાના ચકચારી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પ્રેમસંબંધ અને વિશ્વાસઘાત વચ્ચે રચાયેલા હત્યાના ષડયંત્રમાં કોર્ટે આરોપી દીપુ શાક્યા અને મૃતકની પત્ની કિરણદેવીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. ખાસ વાત એ રહી કે, સમગ્ર કેસમાં કોઈ આંખે જાનાર સાક્ષી નહોતો, છતાં ટેક્નિકલ પુરાવા અને કોલ રેકોડિંગના આધારે કોર્ટે બંને આરોપીઓને સજા સંભળાવી હતી.
આ સમગ્ર મામલો અમદાવાદના ધામતવાણ ગામ સાથે જાડાયેલો છે. મૂળ ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લાના રહેવાસી હાકીમસિંહ યાદવ રોજગારી માટે અમદાવાદ આવ્યો હતો. તેની સાથે તેનો મિત્ર દીપુ શાક્યા પણ અમદાવાદમાં રહેતો હતો. બંને મિત્રો એક જ જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અને યમુના એસ્ટેટ વિસ્તારમાં એક જ રૂમમાં સાથે રહેતા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, હાકીમસિંહની પત્ની કિરણદેવી અને દીપુ શાક્યા વચ્ચે આડાસંબંધો હતા. હાકીમસિંહ અને તેની પત્ની વચ્ચે વારંવાર થતા ઝઘડાના કારણે બંનેએ મળીને હાકીમસિંહને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો. કિરણદેવીએ પોતાના સસરાને સમજાવી દીપુને પણ અમદાવાદમાં નોકરી અપાવી હતી, જેથી બંને સાથે રહી શકે અને કાવતરાને અંજામ આપી શકે.
૨૧ ઓગસ્ટ ૨૦૨૩ની રાત્રે દીપુએ સુતેલા હાકીમસિંહનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ સમગ્ર ઘટનાને કુદરતી મોતમાં ખપાવી દેવા દીપુએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને હાકીમસિંહ અચાનક બીમાર પડતા મોત થયું હોવાનું નાટક કર્યું હતું. શરૂઆતમાં ઘટના સામાન્ય મોત જેવી લાગી રહી હતી, પરંતુ મૃતકના પરિવારજનોને શંકા જતા મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ થઈ હતી.
તપાસ દરમિયાન સૌથી મહત્વનો પુરાવો કિરણદેવીના મોબાઈલમાંથી મળ્યો હતો. કિરણદેવીના ફોનમાં ઓટો કોલ રેકોડિંગ ચાલુ હતું. હત્યાની જ રાત્રે દીપુએ કિરણદેવીને ફોન કરી લગભગ ૧૯ મિનિટ સુધી વાતચીત કરી હતી. આ વાતચીતમાં દીપુએ ખુદ ગુનાની કબૂલાત કરતા કહ્યું હતું કે, મેં હાકીમસિંહને પતાવી દીધો છે, હવે આપણે ખુશીથી સાથે રહીશું. આ ઓટો રેકોર્ડ થયેલી વાતચીત કેસનો સૌથી મોટો પુરાવો બની હતી. પોલીસે મોબાઈલ ફોન જપ્ત કરી એફએસએલમાં તપાસ માટે મોકલ્યો હતો. જ્યાંથી કોલ રેકોડિંગ રિકવર થયું હતું. ત્યારબાદ વોઈસ ટેસ્ટમાં પણ દીપુનો અવાજ મેચ થતાં પ્રોસિક્યુશનને મજબૂત ટેક્નિકલ પુરાવા મળ્યા હતા.
ગ્રામ્ય કોર્ટમાં સરકારી વકીલ તારાબા ચુડાસામાએ કોલ રેકોડિંગ, વોઈસ સેમ્પલ અને પરિસ્થિતિજન્ય પુરાવાઓના આધારે દલીલો રજૂ કરી હતી. કોર્ટે તમામ પુરાવાઓને માન્ય રાખી હત્યાને પૂર્વ આયોજિત ગુનો ગણાવ્યો હતો. અંતે ગ્રામ્ય કોર્ટે આરોપી દીપુ શાક્યા અને કિરણદેવીને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી.