બાબરા નગરપાલિકામાં ભાજપ શાસિત નવનિયુક્ત હોદ્દેદારોએ સત્તાના સૂત્રો સંભાળ્યાને હજુ દસ દિવસ પણ પૂર્ણ થયા નથી, ત્યાં જ પક્ષમાં આંતરિક વિવાદ અને અસંતોષના સૂર સપાટી પર આવ્યા છે. પાલિકાના કામકાજ અને વહીવટી નિર્ણયોને લઈ ભાજપના જ કેટલાક સભ્યોમાં ભારે નારાજગી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
નવી ટીમ ગત ટર્મ દરમિયાન ઉભી થયેલી ભ્રષ્ટાચાર અને ગેરવહીવટની નકારાત્મક છાપને ભૂંસીને શહેરમાં પારદર્શક વહીવટ આપવા પ્રયાસ કરી રહી છે. જોકે, વિકાસલક્ષી કામગીરી શરૂ થાય તે પહેલાં જ આંતરિક મતભેદો બહાર આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ચર્ચા મુજબ, પક્ષના જ કેટલાક કહેવાતા આગેવાનો દ્વારા નવનિયુક્ત પ્રમુખ સહિતના હોદ્દેદારો પર દબાણ લાવી હેરાનગતિ કરવામાં આવી રહી છે, જેના પડઘા ભાજપ સંગઠન સુધી પહોંચ્યા છે.
ખાસ કરીને વોર્ડ નંબર ૨ ના કામો અને નિર્ણયોને લઈ ઉભા થયેલા મતભેદો વિવાદનું મુખ્ય કેન્દ્ર બન્યા છે. શહેરની જનતા નવી ટીમ પાસે સુશાસનની અપેક્ષા રાખી રહી છે ત્યારે શરૂઆતના દિવસોમાં જ શરૂ થયેલી આ ખેંચતાણ ચર્ચાનો વિષય બની છે. હવે સંગઠન આ વિવાદ કેવી રીતે શમાવે છે તેના પર સૌની નજર છે.









































