ગીર ગઢડા તાલુકાના ઝાંખીયા ગામ નજીક આવેલા પોપટડી નેસ વિસ્તારમાં એક ઘટના સામે આવી છે. અહીં રાત્રિના
સમયે શિકારની શોધમાં નીકળેલા એક દીપડાએ ત્રણ વર્ષના માસૂમ બાળક માનવ પર અચાનક હુમલો કરી દીધો હતો. આ માસૂમ બાળક તે સમયે તેના દાદા રાજેન્દ્ર બાલુભાઈ ભાલીયા પાસે રમી રહ્યો હતો. દીપડાએ દાદાની નજર સામે જ બાળક પર તરાપ મારીને તેના પગના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. જોકે, દાદાએ તુરંત જ જોરજોરથી બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું હતું. બૂમો સાંભળીને પરિવારના અન્ય સભ્યો અને આસપાસના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. લોકો ભેગા થતાં દીપડો ગભરાઈને બાળકને છોડી અંધારામાં નાસી ગયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર નેસ વિસ્તારના રહીશોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે.