વડિયાના બાંટવા દેવળી રોડ પર તંત્ર દ્વારા સીઝ કરાયેલા એક મોટા ઔદ્યોગિક યુનિટમાં માલિક અને મેનેજરે કાયદાનો અનાદર કરીને ગેરકાયદેસર રીતે કામકાજ શરૂ કરી દીધું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સરકારી હુકમનો ભંગ કરવા બદલ નાયબ મામલતદાર યોગેશભાઇ બારડે યુનિટના માલિક પિયુષભાઇ જાડેજા, મેનેજર અર્જુનભાઇ પાનસુરીયા અને ટ્રક ચાલક નૌશાદભાઇ ચૌધરી વિરૂધ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.ખોડાભાઈ પરમારની વાડીમાં ચાલતા આ પ્રોસેસિંગ યુનિટમાં ગેરરીતિ જણાતા તંત્રએ રૂ. ૫૪,૭૮,૦૦૦ નો જથ્થો સીઝ કર્યો હતો. આમ છતાં આરોપીઓએ બદદાનતથી યુનિટ ફરી ધમધમતું કરીને કાર્બન પાવડર અને લોખંડના તારનું ગેરકાયદેસર ઉત્પાદન ચાલુ રાખ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ સીઝ કરાયેલા જથ્થામાં ભારે છેડછાડ કરી છે, જેમાં ૩૦ ટન વપરાયેલ ટાયરનો જથ્થો બગાડ કરીને માત્ર ૧૦ ટન જ રહેવા દીધો હતો. સરકારી સીલ તોડીને લાખો રૂપિયાના મુદ્દામાલની અફરાતફરી કરવાના આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.