વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે જ આણંદ જિલ્લાના સારસા ગામે પર્યાવરણ બચાવવા માટે ગ્રામજનોએ સરકાર સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. ગામમાં પ્રસ્તાવિત ઈથોનોલ ઉત્પાદનની ફેક્ટરી સામે આજે કૈવલ વાડી ખાતે વિશેષ ગ્રામસભા યોજાઈ હતી. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને સતકેવલ મંદિરના મહંત ગાદીપતિ પૂજ્ય અવિચલદાસ મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલી આ ગ્રામસભામાં આણંદના સાંસદ મિતેષ પટેલ, પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ, ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામસભામાં સર્વાનુમતે ગામમાં ઈથોનોલ ફેક્ટરી નહીં બનાવવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે જ પર્યાવરણ બચાવવા માટે ગ્રામજનોએ લડતનો શંખનાદ કરતાં સરકારને ચેતવણી પણ આપી છે. તેમજ ઈથેનોલ ફેકટરીનાં વિરોધમાં આજે સારસા ગામ જડબેસલાક બંધ રહ્યું હતું,
આણંદ જિલ્લાના સારસા ગામના દ્રશ્યો, જ્યાં વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે પર્યાવરણ બચાવવા માટે સમગ્ર ગામ એક મંચ પર એકત્રિત થયું હતું. ગામમાં પ્રસ્તાવિત ઈથોનોલ ઉત્પાદનની ફેક્ટરી સામે ગ્રામજનોમાં ભારે રોષ જાવા મળ્યો હતો. સતકેવલ મંદિર ખાતે યોજાયેલી વિશેષ ગ્રામસભામાં ગ્રામજનોએ એકસૂરે માંગ કરી હતી કે, ગામની ફળદ્રુપ જમીન, ખેતી અને પર્યાવરણને નુકસાન પહોંચાડે તેવી કોઈપણ ફેક્ટરીને મંજૂરી આપવામાં ન આવે. ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને ગામમાં ઈથોનોલ ફેક્ટરી નહીં બનાવવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી. તેમજ ગ્રામસભામાં હોબાળો કરી ઉગ્ર આક્રોશ વ્યકત કરવામાં આવ્યો હતો. તેમજ ગ્રામ પંચાયતની બહાર ગ્રામજનોએ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સારસા ગામમાં કોરનોલ એગ્રો ફ્યુઅલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ઈથોનોલ ઉત્પાદનની ફેક્ટરી સ્થાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જમીનને કલમ ૬૫ હેઠળ ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ નગર નિયોજન કચેરીમાં ઔદ્યોગિક શેડનો નકશો મંજૂર કરવામાં આવ્યો હતો અને તેના આધારે ગ્રામ પંચાયતમાંથી પણ બાંધકામની મંજૂરી લેવામાં આવી હતી. જાકે ગ્રામજનોના જણાવ્યા મુજબ શરૂઆતમાં માત્ર ઔદ્યોગિક શેડનું બાંધકામ થવાનું હોવાનું જણાયું હતું, પરંતુ બાદમાં અહીં ઈથોનોલ ઉત્પાદનની ફેક્ટરી બનવાની માહિતી સામે આવતા ગામમાં વિરોધનો વંટોળ ઊભો થયો હતો.
વિશેષ ગ્રામસભા દરમિયાન અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસ મહારાજે સરકાર સામે આકરા શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે જ પર્યાવરણને જાખમમાં મૂકે તેવા પ્રોજેક્ટને મંજૂરી આપવી દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. સરકાર જા આ મંજૂરી પરત નહીં ખેંચે તો આગામી સમયમાં ઉગ્ર જનઆંદોલન ઉભું થશે અને સરકારને જ પ્રજાના રોષનો સામનો કરવો પડશે. બીજી તરફ આણંદના સાંસદ મિતેષ પટેલે ગ્રામજનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે તેઓ સરકાર સાથે સતત સંપર્કમાં છે અને ગામની લાગણી તથા માંગ સરકાર સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
ગ્રામજનોએ એકત્ર થઈને સારસા ગ્રામ પંચાયતની બહાર સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી તલાટી સામે સવાલો કર્યા હતા કે ઈથેનોલ ફેકટરી માટે મંજુરી આપતા પહેલા ગ્રામજનોને કેમ જણાવવામાં આવ્યું નહી જા કે તલાટીએ લુલો બચાવ કરતા કહ્યું હતું કે અરજીમાં મથાળા પર માત્ર ઓદ્યોગિક હેતુ માટે જણાવેલ હતું અને નીચે નાના અક્ષરોંમાં ઈથેનોલ સંગ્રહ લખવામાં આવ્યું હતું જા કે ગ્રામજનોનાં વિરોધ બાદ ઠરાવ કરી સરકારમાં મોકલી આપવામાં આવ્યો છે, અને હવે અહીયા ઈથેનોલ ફેકટરી બનવા દેવામાં આવશે નહી, તેમજ આજે ગામના તમામ બજારો જડબેસલાક બંધ રહ્યા હતા અને વેપારીઓએ પણ ઈથેનોલ ફેકટરીનો વિરોધ કર્યો હતો.
ગ્રામજનોનું કહેવું છે કે ચરોતર પ્રદેશ તેની ફળદ્રુપ જમીન, ખેતી, પશુપાલન અને હરિયાળી માટે સમગ્ર રાજ્યમાં ઓળખાય છે. ગામ નજીક મહીસાગર નદી આવેલી હોવાથી ઈથોનોલ ફેક્ટરીના કારણે ભૂગર્ભ જળ, પર્યાવરણ અને ખેતીને લાંબા ગાળે નુકસાન પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનો સ્પષ્ટ કહી રહ્યા છે કે તેમને ઉદ્યોગો સામે કોઈ વાંધો નથી, પરંતુ આવી ફેક્ટરીઓ કૃષિપ્રધાન અને રહેણાંક વિસ્તારને બદલે ઔદ્યોગિક ઝોનમાં સ્થાપિત થવી જાઈએ. હાલ તો સારસા ગામે એકજૂથ થઈને ઈથોનોલ ફેક્ટરી સામે લડતનો શંખનાદ કરી દીધો છે. હવે સરકાર આ વિરોધને ધ્યાનમાં લઈને શું નિર્ણય કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.