સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા વહીવટી તંત્રને વધુ સુદ્રઢ, સક્રિય અને પારદર્શક બનાવવા માટે એક અત્યંત મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતિને વધુ મજબૂત કરવાના મક્કમ હેતુથી એસપી દ્વારા એકસાથે ૪૪૩ જેટલા પોલીસકર્મીઓની સામૂહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાના આ અચાનક અને આંચકાજનક પગલાને કારણે સમગ્ર સુરેન્દ્રનગર પોલીસ બેડામાં ભારે ખળભળાટ અને ફફડાટ મચી ગયો છે.
મળતી વિગતો મુજબ, આ મોટા પાયે કરાયેલી સામૂહિક બદલીઓ પાછળ લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવી રહેલા કર્મચારીઓ મુખ્ય કારણ છે. એસપી પ્રેમસુખ ડેલુએ વહીવટી શિથિલતા દૂર કરવા માટે છેલ્લા ૫ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ ડિવિઝનમાં ચીપકી રહેલા અને પોતાના સ્થાને સ્થીર થઈ ગયેલા કર્મચારીઓને મુખ્ય રીતે નિશાન બનાવ્યા છે. આ ઉપરાંત, જે પોલીસ કર્મચારીઓ છેલ્લા ૩ વર્ષથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશન અથવા ચોક્કસ કાર્યક્ષેત્રમાં જ ફરજ બજાવી રહ્યા હતા, તેઓ પણ આ મોટા વહીવટી ફેરબદલથી સીધા અસરગ્રસ્ત થયા છે.
જિલ્લા પોલીસ વડા દ્વારા બહાર પાડવામાં આવેલા બદલીના આ તમામ હુકમોને તાત્કાલિક અસરથી અમલમાં મૂકી દેવામાં આવ્યા છે. વહીવટી ઓર્ડર છૂટતાની સાથે જ તમામ ૪૪૩ અસરગ્રસ્ત પોલીસકર્મીઓને જિલ્લાના અન્ય જુદા-જુદા ડિવિઝનોમાં નવી નિમણૂક સોંપી દેવામાં આવી છે અને તાત્કાલિક હાજર થવા આદેશ કરાયા છે. એસપીના આ કડક વલણને કારણે સ્થાનિક સ્તરે નેક્સસ તૂટશે, પોલીસની વહીવટી ક્ષમતા વધશે અને જનતાની સુવિધા માટે પોલીસ તંત્ર વધુ એક્ટીવા બનશે તેવી આશા સેવાઈ રહી છે.
આ આદેશ બાદ વર્ષોથી વગ અને સેટિંગના આધારે એક જ જગ્યાએ લાંબો સમય કાઢી નાખનારા પોલીસ કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. એક જ ઝાટકે આખા જિલ્લાનું પોલીસ માળખું બદલી નાખીને એસપી પ્રેમસુખ ડેલુએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ખાખી વર્દીમાં કોઈપણ પ્રકારની લાપરવાહી કે શિથિલતા સહન કરવામાં નહીં આવે. આ ઐતિહાસિક બદલીઓની ચર્ચા અત્યારે સમગ્ર ગુજરાતના પોલીસ વિભાગમાં જારશોરથી ચાલી રહી છે.







































