વડીયા તાલુકાના કુંઢીયા પીપળીયા ગામમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીના અયોગ્ય નિકાલને કારણે ગ્રામજનોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના જાગૃત નાગરિક ચુડાસમા રાજેશ આર. દ્વારા તલાટી અને સરપંચ સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગામની ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી ગામની મધ્યમાં આવેલી મુખ્ય નદીમાં છોડવામાં આવે છે, જે પાદરમાં ભરાઈ રહેતાં અસહ્ય ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે જ્યાં આ ગંદુ પાણી એકઠું થાય છે, તેની તદ્દન નજીક જ ગ્રામ પંચાયત સંચાલિત પીવાના પાણીનો મુખ્ય બોર આવેલો છે. આ ગંદુ પાણી જમીનમાં ઉતરીને બોરના પાણીને પ્રદૂષિત કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો વહેલી તકે આ ગંદા પાણીનો નિકાલ ગામની બહાર યોગ્ય જગ્યાએ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આખું ગામ ભયંકર બીમારીઓનો ભોગ બની શકે છે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.









































