પથ્થરની ખાણ અને ટ્રક ડ્રાઈવર તરીકેનું કામ કરતા કરતા ગઠિયો બન્યો છેતરપિંડીનો બેતાજ બાદશાહ…ગઠિયાએ નેતા અને અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે ફોટા પાડીને તેના આધારે શરૂ કરી છેતરપિંડી….મોટી મોટી ઓળખાણ હોવાનું કહીને લોકોને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા પડાવ્યા અને હાઈ પ્રોફાઇલ લાઇફ જીવવાનું શરૂ કર્યું…જાકે અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખામાં ગઠિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ ઠગ દંપતીની ધરપકડ કરી છે.
વિગતે વાત કરીએ તો, અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાએ અનિલ વિભાણી અને વિમ્મી વિભાણી નામના ઠગ દંપતીની ધરપકડ કરી છે. મૂળ વિજાપુરના વેપારી હિરેન ચૌધરીને તેના મિત્ર થકી આરોપી અનિલ વિભાણીનો સંપર્ક વર્ષ ૨૦૧૪માં થયો હતો. આ સમયે આરોપી અનિલએ ફરિયાદી હિરેન ચૌધરીને જણાવ્યું હતું કે, પોતે લાઇઝનિંગ કમ એજન્ટ તરીકે કામ કરે છે અને બધા ડિપાર્ટમેન્ટમાં સારી ઓળખાણ છે. તો બીજી તરફ ફરિયાદીને પણ ધંધાકીય લેવડ-દેવડના કેનેડામાં થયેલ છેતરપિંડી રૂપિયા લેવાના બાકી હતા. જે રૂપિયા પરત અપાવી દેવાનો વિશ્વાસ આપીને આરોપી ગઠિયાએ હિરેન ચૌધરી પાસેથી રૂપિયા ૨ કરોડ ૨૭ લાખ કમિશન પેટે એડવાન્સ પડાવી લીધા હતા.
બાદમાં અનિલ વિભાણીએ હિરેન ચૌધરીનું કામ ના કરી આપતા હિરેન ચૌધરીએ આ બાબતે અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે અનિલ વિભાણી પાસેથી ત્રણ મોબાઇલ, મર્સિડીઝ સહિત કુલ ૫ ગાડીઓ જપ્ત કરી છે. ત્યારે અનિલ વિભાણીએ અગાઉ સુરતમાં તેની પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તેના વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં રૂપિયા ૪૧ કરોડની છેતરપિંડી અને અન્ય ૮ જેટલા ગુના દાખલ થયા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અનિલ વિભાણી અગાઉ ટ્રક ડ્રાઈવર અને પથ્થરની ખાણમાં નોકરી કરતો હતો. જાકે બાદમાં તેણે નેતાઓ અને અધિકારીઓ સાથે ફોટો પડાવી પોતાની ઊંચી ઓળખાણ હોવાનું કહીને લાઇઝનિંગના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા અને હાઈ પ્રોફાઇલ લાઇફ જીવવાનું શરૂ કર્યું હતું.
પોલીસ તપાસ દરમિયાન અનિલ વિભાણીના કેટલાક બેંક એકાઉન્ટ અને લોકર પણ મળી આવ્યા છે. જે અંગે પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત તેણે અલગ અલગ ૨૦ જેટલા વેપારીઓ સાથે છેતરપિંડી આચરી હોવાની આશંકા પોલીસને છે. જાકે આરોપી અનિલ વિભાણી વિરુદ્ધમાં હજી પણ અનેક ફરિયાદો નોંધાઈ શકે છે









































