ભાવનગર શહેરની સરકારી સિવિલ હોસ્પિટલમાંથી તબીબી વ્યવસ્થાને સવાલોમાં મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા એક યુવકના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. પરિવારનો દાવો છે કે સારવાર દરમિયાન યુવકનું વેન્ટીલેટર કથિત રીતે કાઢી લેવાતા તેની સ્થિતિ બગડી અને અંતે તેનું મોત થયું. આ ઘટનાએ સમગ્ર હોસ્પિટલ તંત્ર તેમજ આરોગ્ય વિભાગમાં ચકચાર મચાવી દીધી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પ્રશાસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મૃતક યુવકના પરિવારજનોએ જણાવ્યું કે ડ્યુટી પર રહેલા બે જુનિયર રેસિડેન્ટ ડાક્ટરોની બેદરકારીને કારણે યુવકનો જીવ ગયો છે. પરિવારના આક્ષેપ મુજબ,આઇસીયુમાં જરૂરી મેડિકલ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું નહોતું અને વેન્ટીલેટર હટાવવામાં આવ્યા બાદ દર્દીની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. પરિવારજનોએ આ મામલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પ્રશાસન એક્શનમાં આવ્યું હતું. આરોપોનો સામનો કરી રહેલા બંને જુનિયર રેસિડેન્ટ ડાક્ટરોને તાત્કાલિક અસરથી તમામ તબીબી કામગીરીમાંથી દૂર કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા બંનેને સત્તાવાર મેમો પાઠવી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા ત્રણ સિનિયર ડાક્ટરોની વિશેષ તપાસ સમિતિ રચવામાં આવી છે. સમિતિ દ્વારા ઘટના સમયે આઇસીયુમાં હાજર રહેલા તમામ સ્ટાફ, ન‹સગ કર્મચારીઓ, સુરક્ષા ગાર્ડ તેમજ બંને જુનિયર ડાક્ટરોના નિવેદનો લેવામાં આવશે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર, તપાસ અહેવાલના આધારે આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરકારી હોસ્પિટલમાં આવી ગંભીર ઘટના સામે આવતા આરોગ્ય વિભાગ પણ સજાગ બન્યું છે. હાલ સમગ્ર મામલે હોસ્પિટલ પ્રશાસન અને આરોગ્ય અધિકારીઓ નજર રાખી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ યુવકના મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.







































