અમરેલી જિલ્લામાં અકસ્માતની ત્રણ ઘટના બની હતી. જેમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. બાબરાના જીવાપર (વાવડી) ગામે રહેતા પ્રવિણભાઇ રવજીભાઇ વિરડીયા (ઉ.વ.૫૧) એ જાહેર કર્યા મુજબ, તેમના પિતાજી રવજીભાઇ વિરડીયા ઘરેથી સાયકલ લઇ સવારના આશરે પોણા સાતેક વાગ્યે ધરાઇ ગામે શ્રી બાલમુકુંદજીની હવેલીએ દર્શન કરવા જતાં હતા. તે દરમ્યાન સવારના સવા સાતેક વાગ્યે વાવડી ગામથી ધરાઇ ગામે જતા હાઇવે રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં, ગંભીર ઇજા થવાથી તેમના પિતાજીનું મોત થયું હતું. અકસ્માત બાદ અજાણ્યો ચાલક નાસી ગયો હતો.અકસ્માતની બીજી ઘટનામાં
રાજુલાના હિંડોરણામાં રહેતા મેહુલભાઇ કાનાભાઇ બારૈયા (ઉ.વ.૨૪) એ ઇકો કાર ચાલક ભાવેશભાઇ ભગવાનભાઇ બારૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના માતા જયાબેન કાનાભાઇ બારૈયા (ઉ.વ.૬૦) હિંડોરણા ગામથી બર્બટાણા ગામે જવા નીકળ્યા હતા. હિંડોરણા ગામમાં રાજુલાથી જાફરાબાદ રોડ ઉપર હરભોલે હોટેલની પાસે રોડની બાજુમાં સબસ્ટેશનની પાસે બેઠા હતા, તે સમયે ઇકોના ચાલક ભાવેશભાઇ ગફલતભરી રીતે ગાડી ચલાવીને આવ્યો હતો. જેથી ઇકો ગાડીનું આગળનું ટાયર માતા પર ફરી વળ્યું હતું. શરીરમાં અલગ-અલગ જગ્યાઓ ઉપર ગંભીર ઇજા થવાથી તેમના માતાનું મોત થયું હતું.ત્રીજા બનાવમાં લાઠીના શેખ પીપરીયા ગામે રહેતા ભીખાલાલ મેઘજીભાઇ સોલંકી (ઉ.વ. ૪૯) એ બોલેરો ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમનો દીકરો તા. ૨૨/૦૪/૨૦ર૬ ના રોજ અમરેલીથી શેખ પીપરીયા ગામે જતો હતો. ત્યારે સાંજના આશરે પાંચ થી સાડા પાંચ વાગ્યાના અરસામાં અમરેલી-લાઠી રોડ ઉપર ઇશ્વરીયા થી વરસડા ગામ વચ્ચે આવેલ બી.એન.ડી. ની બાજુમાં પીરદાદાની દરગાહના બોર્ડ પાસે પહોંચતા જ બોલેરો ચાલકે તેમના દીકરાને ટક્કર મારી હતી, જેમાં તેમના દીકરાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક વાહન લઇ નાસી ગયો હતો.