અમરેલી જિલ્લાના જાફરાબાદના પીપળી કાંઠા (સામા કાંઠા) વિસ્તારમાં લાંબા સમયથી રાત્રિ દરમિયાન વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતાં સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હાલ ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે વારંવાર વીજળી ગુલ થવાના કારણે ઘરમાં એકલા રહેતા નાના બાળકો, બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધો મુશ્કેલીમાં મુકાયા છે. આ કાંઠાળ વિસ્તાર રેવન્યુ લાઈનને અડીને આવેલો હોવાથી રાત્રે અંધારામાં સિંહ અને દીપડા જેવા વન્યજીવોના હુમલાનું જોખમ પણ વધી ગયું છે.સ્થાનિક નાયબ ઈજનેરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાયમી નિરાકરણ ન આવતા, આખરે સમસ્ત જાફરાબાદ ખારવા સમાજના પ્રમુખ ધર્મેશકુમાર બારૈયાએ PGVCL સાવરકુંડલા વિભાગીય કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. ખારવા સમાજની આગામી લગ્નની સીઝનને ધ્યાને રાખીને આ ગંભીર સમસ્યાનું તાકીદે યોગ્ય નિવારણ લાવવા માટે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય સહિત ઉચ્ચ વીજ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે.