ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ કુંકાવાવ તાલુકાના ઈશ્વરીયા, બાંભણીયા અને દડવા રાંદલ ગામોની સરકારી પ્રાથમિક શાળાઓમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં હાજરી આપી હતી. તેમણે બાલવાટિકા, આંગણવાડી તથા ધોરણ-૧ના બાળકોને ઉત્સાહભેર પ્રવેશ અપાવી નામાંકન કરાવ્યું હતું. ઈશ્વરીયા ગામે બાલવાટિકામાં ૧૩ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું, જ્યારે બાંભણીયામાં બાલવાટિકાના ૮ અને આંગણવાડીના ૧૫ બાળકોનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. દડવા રાંદલ ખાતે પણ બાલવાટિકાના બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું. નવા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને અને મોઢું મીઠું કરાવીને શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું.મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બની છે. જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી, પર્યાવરણ સંરક્ષણ, જળ બચાવ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે શૈક્ષણિક કિટોનું વિતરણ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તેમજ દાતાશ્રીઓના યોગદાનની કદર કરવામાં આવી હતી. અંતે સૌએ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.








































