સિંહોના માનવ શિકાર બાબતે વન્યજીવ નિષ્ણાંતો દ્વારા પ્રસિદ્ધ થયેલા વિસ્તૃત અહેવાલ અને વિશ્લેષણને દીપકભાઈ કે. માલાણી દ્વારા વાસ્તવિકતાથી અલગ અને અપૂરતી માહિતી અથવા ચોક્કસ એજન્ડા સાથેની દલીલો ગણાવી છે. તાજેતરમાં જુનાસાવર, કોવાયા અને ગઢડામાં ખેડૂતો કે મજૂરોના બાળકો પર થયેલા સીધા હુમલાઓ માટે ગેરકાયદેસર સિંહ દર્શન કે લાયન ટૂરિઝમ જવાબદાર નથી. સૈકાઓથી ગીરમાં સિંહો અને માલધારીઓ સાથે રહેતા આવ્યા છે, છતાં ભૂતકાળમાં આવા બનાવો ક્યારેય બન્યા નથી.હુમલા વધવાનું મુખ્ય કારણ એ છે કે કેરિંગ કેપેસિટી કરતાં સિંહોની વસ્તી ખૂબ વધી ગઈ છે અને તેમને પૂરતો ખોરાક મળતો નથી. માલધારીઓને જંગલમાંથી બહાર કાઢવાની નીતિને કારણે સિંહો રેવન્યુ વિસ્તારમાં આવી ગયા છે. વન નીતિમાં સ્થાનિક લોકોના વાસ્તવિક અનુભવોને અવગણીને બહારના લોકોના પ્રભાવ હેઠળ નિર્ણયો લેવાય છે. માલધારીઓને હટાવવાથી કે ધાર્મિક સ્થાનો પર પ્રતિબંધ મૂકવાથી વન્યજીવોને કોઈ ફાયદો થયો નથી. મહેસૂલી અને માનવ વસાહત વિસ્તારો વચ્ચે હિંસક પ્રાણીઓ સુરક્ષિત રીતે સાથે રહી ન શકે અને આ બાબતે ન્યાયતંત્રને પણ ખોટી માહિતી આપવામાં આવી રહી છે.








































