ચિત્તલ મુકામે સ્થાનિક નાગરિકોની સુવિધામાં નોંધપાત્ર વધારો કરતા નવનિર્મિત ‘સુવિધાપથ’નું લોકાર્પણ ગુજરાત સરકારના ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ચિત્તલ હાઈસ્કૂલ નજીક તથા નવાણવાડી વિસ્તારમાં અંદાજિત રૂ. ૧.૭૦ કરોડના ખર્ચે આ આધુનિક સુવિધાપથનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવા માર્ગો ખુલ્લા મુકાતા લાંબા સમયથી સારા રસ્તાની રાહ જોતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને પાકા અને સુવિધાસભર માર્ગોની કાયમી ભેટ મળી છે. માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા પંચાયત અમરેલીની ગ્રાન્ટ હેઠળ આ બંને સુવિધાપથનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. લોકાર્પણ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના નાગરિકો સુધી પાયાની માળખાકીય સુવિધાઓ પહોંચાડવા માટે સતત પ્રતિબધ્ધ છે. ચિત્તલ ખાતે તૈયાર થયેલો આ સુવિધાપથ સ્થાનિક સ્તરે વાહનવ્યવહારને વધુ સુગમ, ઝડપી અને સુરક્ષિત બનાવશે. ખાસ કરીને ચોમાસા સહિત વિવિધ ઋતુઓ દરમિયાન નાગરિકોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓમાં રાહત મળશે.