રાગ – વૈરાગ – ૩૦
રૂપા એ ગળતા કંઠે પોતાનું વેણ દોહરાવ્યુંઃ”
મને થયું ક્યારેક મને તેડવા આવશે અને કહેશે કે “હાલ, આવતી રહે…”…પણ એવું તો ભાગ્ય મારું ક્યાંથી? મેં ખાલી સપના જ જોયા સાહેબ! અરે, એકવાર સાંકડી શેરીમાં હું કોઈની વાડીએથી દાડી કરીને પાછી વળતી હતી. ત્યાં જ એ બેય જણાં આવતા હતા. મનમાં હોંશ ઉપજી કે એનું મોઢું જોઈ લઉં. પણ જેવી હું સામે આવી કે મારી શોકયે બાવડું ખેંચીને પાછો ફેરવી લીધો અને પીઠ ફેરવી ગયા.
મને થયું કે, ઓહ… જેને હું હજી મારો પતિ, મારો પુરૂષ માનતી હતી એને તો હું કશું લાગતી વળગતી જ નથી. મારું કાળજુ કરવતે કરવતે વહેરાઈ રહ્યું. જેની સાથે ચોરીના ચાર ફેરા એ આદમી ફર્યો હતો એ સ્ત્રી સાથે તમામ સગપણ એણે છોડી દીધા હતા.!!
મને જોઈને મારો “જણ “પીઠ ફેરવી ગયો એ જોઈને મને ખૂબ જ દુઃખ લાગ્યું સાહેબ! કાળજે તરડાં પડી ગયા પણ શું કરું? કરી શકું પણ શું ?? મારો અધિકાર તો એની સાથે બોલવાનો તો નહીં,પણ જોવાનો ય નહીં..હું કાળજા ઉપર પથ્થર મૂકીને મૂંગી રહી.કશું બોલી નહીં. પણ મૂંગા મોઢે નીચી નજરે પડખેથી નીકળી કે શોકય બોલી: “આવાને આવા નશરમા, નકટાં, નઘરોળ અને નીચ માણસો અપશુકન કરાવવા શું કામ સામે ગૂડાતાં હશે?, હવે બહારગામ નથી જવું હાલો ઘેર પાછાં. કલાક પછી નીકળશું.”
– સાહેબ, હું નકટી, નઘરોળ કે નીચ હતી?
બોલો, સાચું કહેજો. હું એવી હતી?
– જગત માં ખાલી તમે એક માત્ર મને જાણી શક્યા હતા. કે હું શું હતી?
“હું શું કહુ રૂપી….કે તું શું હતી? તું તો સાક્ષાત દેવી હતી. અને દેવી જ છો.. પણ દુઃખ એ વાતનું છે કે તને કોઈ ઓળખી ન શક્યું.”
આનંદ કરૂણા ભર્યા સ્વરે બોલ્યોઃ “તું ગંગાનદીના પાણી જેવી પવિત્ર હતી અને કાયમ રહીશ.! તું ચંદન જેવી મહેંકતી હતી. તું બરફના શિવલીંગ જેવી આરપાર નિષ્કલંક હતી. તું નાના બાળકના કિલકિલાટ હાસ્ય જેવી નિર્દોષ હતી, છો અને રહીશ. કારણ કે મેં તને રોમેરોમથી ઓળખી છે.”
-એ તમારું માનવું છે પણ… પેલો તો.” રૂપાએ આગળ કહ્યું. – પેલો મારો જણ તો ખડખડાટ હસ્યો : “હા, એલી. વાત તો તારી સાચી. આવા ઢોંગી ધૂતારાને ઠગારા માણસોના શકન લઈએ તો જીતની બાજી ય હારમાં પલટી જાય. એના કરતા તું કહે છે એમ પાછાં ઘરે જ જતા રહીએ.”
સાહેબ! વખત વખતનું કામ કરે છે.
મારા સાસુને મોતીયાનું ઓપરેશન કરાવવા લઈ ગયા. ડોક્ટરે ગમે એવા ટીપાં નાખ્યા. કે બન્ને આંખે ધબોઈ નમઃ થઈ ગયું. આંધળા ભીંત…!!!
મારા જેઠને મીઠી પેશાબનો રોગ લાગુ પડયો એમાં પગમાં ખીલી વાગીને પગમાં સડો બેઠો. ઠેઠ ગોઠણથી પગ કપાવવો પડયો.
એક મારા જેઠાણીને હડકાયું કૂતરૂ કરડયું તો એને હડકવા ઉપડયો. સાંકળથી બાંધીને રાખવા પડતા. ખેર, મને એનો કોઈ આનંદ નથી પણ…દુઃખ એ વાતનું છે કે હું જેનું ‘માણસ’ હતી એણે પણ મને ક્યારેય બોલાવી જ નહીં…!! એકવાર હસીને મારી સામે બોલે. પણ ના, એ સમણાં અધૂરા જ રહ્યા! હું ગામને છેવાડે ચંપાએ કાઢી આપેલા કૂબામાં જીંદગી બસર કરતી હતી. એમાં એક દિવસ ફરીવાર અમારા કુટુંબમાં ઝઘડો થયો. એકબાજુ અમારું ઘર અને એકબાજુ સામેના મારા કાકાજીના, બે ઘર સંપી ગયા. અને મારા એક જેઠને માર્યા. એનું વેર લેવા મારા દિયરે એમાના એકને તલવારના ઝાટકા માર્યા અને એ વેરનું વેર લેવા એક ગોઝારી રાતે મોટરસાયકલ લઈને આવતા મારા ઘરવાળાને પેલા બન્ને અને ભાડૂતી માણસો ફરી વળ્યાં. એક સાથે છરીના એકત્રીસ ઘા…!
એક સાથે અમારા બેય ના ચૂડીચાંદલા નંદવાણા. મારા અને મારી શોક્યનાં.
ચૂડાકરમ વિધિ કરવા મને બોલાવી અને હું ગઈ. પણ શું સાહેબ? જેની સંગ એક રાતનોય રાતગુજારો નહીં, ખાલી ખાલી ઢીંગલાં પોતિયા જેવી રમત રમાડીને અમને પરણાવી દીધા હતા એ માણસ..?? મારો પતિ હતો?
ના, હવે મન પણ સ્વીકારવા તૈયાર નહોતું અને જયારે લગ્ન થયા ત્યારે તો તન પણ ક્યાં સ્વીકારવા માંગતું જ હતું? આ તો ઉબરાની અને માબાપની આબરૂને ખાતર હું ગઈ હતી. ગમે એમ પણ તેના નામનું સિંદુર મારા માથામાં પૂરાયેલું હતું!
– એ મારો પતિ હતો તોય શું? – અને હવે નથી તોય શું?
બાર દિવસ જતી આવતી રહેતી. તોય આંધળી ભીંત સાસુ બોલતી કે તારી કુદૃષ્ટિ અમારા આખા ઘરનેય લાગી ગઈ. નહિંતર આમ ન હોય! હસતું કિલ્લોલતું ઘર હતું. પણ જયારથી તું આવી ત્યારથી જ બંધ બેઠી છે. કોણ જાણે કિયા શકનની તને અમે લાવ્યા? ફૂલટા કૂળની…ક્યાંથી આવી?
– સાહેબ, પિયરમાં મને માતાજીનું સાક્ષાતરૂપ ગણી પૂજવાવાળા ઓછાં નહોતા. અને અહીં હું કૂલટી હતી. ચંપાનો વર રાઘવ મારા ધણિનો ભાઈબંધ હતો. એ ટાણે મોળું વરહ આવ્યું. દાડીયું ઓછી મળતી હતી અને કડિયાકામમાં રોજમદારી નો દર વધુ હતો.
રાધવે મને કહ્યું કે “ભાભી! હું કડિયાકામે જાઉં છું ત્યાં ટોપલિયા તરીકે તમને લઈ જાઉં. કપાસ વીણવાની દાડી કરતા દોઢી દાડી મળશે.’
“પણ મારે જવું શેમાં?”
“લ્યો, કરો વાત. મારૂ ફટફટિયું છે જ ને?” એ બોલ્યો અને-
– હું મૂરખી દોઢી દાડીના મોહમાં રાઘવ સાથે આવતી જતી થઈ ગઈ! અઠવાડિયું પંદર દિવસ મહીનો… એમ કરતા કરતા ચોમાસું આવ્યું. ગામથી પંદરેક કિલોમીટર દૂર એક શહેરમાં બંગલાનું ચણતરકામ ચાલે. અને વરસાદ શરૂ થયો. ધીરે ધીરે કરતા તૂટી પડયો. મોડું થઈ ગયું. અંધારૂ થવા આવ્યું ત્યારે કૈંક મોળો પડ્યો અને રાઘવની સાથે નીકળી. પણ શહેરની બહાર નીકળ્યાને પાછો શરૂ થયો. દસેક કિલોમીટર વરસતા વરસાદમાં કાપી તો નાખ્યું. પણ હવે વેગ વધ્યો હતો.
અમારા ગામથી બે ખેતરવા દૂર બારેમેઘ ખાંગા થઈ ગયા. એકકોર ધોધમાર વરસાદ, અને એકકોર વીજળી સળાવા લે. એવું થાય કે પડી કે પડશે.! કપડાં ભીના થઈ ગયા હતા એને નીચવ્યા નીચવ કરતી હતી, ને અચાનક રાઘવે…મારું કાંડુ ઝાલ્યું. ‘અરે…રાઘવભાઈ આ શું કરો છો?’
તો કહે કે “ભાભી….બધું જાણું છું. તમે કેટલા તરસ્યા છો. ભવ ભવ ના તરસ્યા છો ને?!…. હાલો , આજ તો મારી ને તમારી
બેય ની તરસ મીટાવી લઈએ. મોકો તો આજે ઉપર વાળાએ જ આપણને આપ્યો છે એમ માનજો. !!બાકી, તમારી પીડા તો હું કે દું’નો સમજી ગયો હતો. અને એણે મને ખેંચી. મેં કહ્યું કે મારો પતિ તારો ભાઈ જેવો ભાઈબંધ હતો. ત્યારે જ તું મને ભાભી કહેતો હોઈશને?
એ કહે:“ભાભી…સાથેના સંબંધમાં બધું જ મંજુર હોય છે.” “ફટ રે ભૂંડા….! તેં શું ધારીને મારૂ કાંડુ ઝાલ્યું મારા વીરા??!”
“તું મને ઓળખી ન શક્યો.? “હું તારી મા છું વીરા.”
તે દિ’ માતાજીએ લાજ રાખી દીધી’તી. કેમ કે જે જગ્યાએ અમે ઊભા’તા , એ ત્યાંથી આઈના ડુંગરા ઉપર બેઠેલા માતાજીના પગથિયા શરૂ થતા હતા. એ પગથિયા માતાજીના મંદિરના હતા.
પણ તોય એની આંખોમાં સાપોલિયાની આંખો ચમકી ઉઠતી’તી..
-ત્યાં જ ક્યાંક વીજળી ખાબકી. મોટો લીસોટો થયો અને એ લીસોટામાં એણે મારી આંખો જોઈ. પ્રચંડ કડાકો થયો, અને એ ડરી ગયો.
કશું જ બોલ્યા વગર ફટફટિયું ચાલ્યુ કર્યું અને મને કહે ઃ ‘ભાભી…ભૂલ થઈ ગઈ. બેસી જાવ, હાલો આપણે ઘેર જતા રહીએ.’
પણ ભૂલ એક વાર માફ થાય. બીજી વાર ન થાય. અને તપ તો વિશ્વામિત્ર ઋષિ જેવાનાંય ક્યાં અખંડ રહ્યા હતા? રાઘવ ની નજર સતત મારા દેહ ઉપર ફરતી રહેતી હતી. એ મારી જરૂરિયાત કરતાં વધારે કાળજી લેવા માંડ્યો હતો.પણ મને એ જરાય ગમતી વાત નહોતી.પણ મારી મજબૂરી હતી.કે બે રૂપિયા રળવા એનો જ સહારો હતો.
બાકી તો હું શું કરેત?? મેં એને કેટલીય વાર વાર્યો.કે ચંપા તારી પત્ની છે.હું નથી.એટલે મારી સાથે વાતું કરવા કરતા,મારી આગળ પાછળ ફરવા કરતાં તું ચંપાને પ્રેમ કર.હું તો અહલ્યા જેવી માત્ર પથ્થરની મૂર્તિ છું.મારા તમામ સપના અને તમામ ઇચ્છાઓ હવે મારી ચૂકી છે.પણ રાઘવ ને સાચું સમજાતું જ નહોતું.એ ભમરા જેમ મારી આસપાસ ફરતો હતો અને પછી…
મારી લીધે થઈને ચંપા અને રાધવ વચ્ચે ઝઘડા થવા લાગ્યા. મૂળ તો હું જ પનોતી હતીને?
ચંપાએ એક દિવસ મને કહ્યું ઃ “જેની થાળીમાં ખાધું એની થાળીમાં જ થૂકી?”
ફટ છે તને.!
જેને આશરો આપ્યો ઈ જ મારો મોભ ખાંગો કરવા ઊભી થઈ?
નીકળી જા બહાર.
– ઘણાં આદમી મળી રહેશે. જગતમાં પુરૂષોનો તૂટો નથી.
– રાં….છીનાળ ! આટલું બોલતા તો રૂપા નો સ્વર તૂટી ગયો..એક ઊંડો શ્વાસ લીધો અને પછી કહે ઃ ‘સાહેબ , ખૂબ ગાળો ખાધી છે બધાયની…’આટલું બોલતાં તો રૂપા હાંફી ગઈઃ
પણ…પણ…પણ ….પછી કોઠે પડી ગયું.
એના ઘરમાંથી બહાર નીકળી ગઈ.
ઘરવખરીમાં તો બીજું હતુંય શું?
-બે હાંલ્લા! કુસ્તી કરતા હતા કાયમ!
એક ફાટેલી ગોદડી. – એક ટંકડી!
કોણ સહારો આપે? પણ તોય પડયા છે સતના થાંભલા.!
ગામના બાવાજી ચેતનરામ મહારાજે આડા પડીને કહ્યું ઃ “ચાલ મારી બેન. મારા ઘેર ચાલ…”
મેં કહ્યું ઃ ‘જીવતી પનોતી છું મારા વીરા! કાલ સવારે મારે લીધે થઈને તારે ગાળ્યું સાંભળવી પડશે…ખોટા આળ ઓઢવા પડશે..એવું પણ થાય કે મારે જ લીધે થઈને જીવતર ઝેર પણ થઈ જાય..મારા ભાઈ! હું દુનિયાની નજરે વંતરી છું,ચુડેલ છું, ડાકણ છું. એટલે સો વાર વિચાર કરજે.નહીતર પછી સાપ છછૂંદર ગળ્યા જેવું થાશે..!” પણ એ મક્કમ હતો.મને કહે, “’ મારી બેનડી,જે થવું હોય એ થાય.હું કોઈ થી બીતો નથી. તું ચાલ,મારા ઘરે.હું ને મારી મા બેય છીએ.” પછી કહે,” અને આજથી તું મારી બેન! બે ભાઈબેન અને એક મા!
આપણે બન્ને ભાઈબેન અને ત્રીજી આપણી મા! મને તેની આંખ્યુમાં સાક્ષાત હનુમાન જતિ દેખાણા.અને હું એના ઘર તરફ વળી..પણ મને ખબર નહોતી કે જીવતરની આ સફર તો સાવ થોડા દિવસો પૂરતી જ હશે..”
**
એ જ પળે ધર્મશાળા માં નીચેના માળે આવેલી આનંદની રૂમ સામે ના દાદરા ના પગથિયાં ઉતરી ને એક આધેડ પુરુષ આ તરફ આવતો ભાળ્યો કે ,ક્યારનીય બહાર ઊભા રહીને આનંદ – રૂપાની વાત સાંભળી રહેલી પેલી વ્યક્તિ પીલ્લર આડે સંતાઈ ગઈ.પેલો પુરુષ ઘડીક ત્યાં ઊભો રહ્યો અને પછી આનંદની રૂમ તરફ ચાલતો થયો..પેલી વ્યક્તિનું હૃદય જોર જોરથી ધડકી ઊઠ્યું..












































