લાહોરમાં બે વિદેશી મહિલાઓ પર સામૂહિક બળાત્કારના મુખ્ય શંકાસ્પદ તરીકે તેમના પૌત્ર રઝા ડારની ધરપકડ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારને વ્યાપક ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના બાદ સેનેટર ફૈઝલ વાવડાએ ઇશાક ડારના રાજીનામાની માંગણી કરી હતી. આ ગેંગ રેપ ૨૯ જૂને થયો હતો, જ્યારે બે મહિલાઓ, એક વેનેઝુએલાની અને બીજી નેધરલેન્ડની, પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. ઇશાક ડારના પૌત્ર મુહમ્મદ રઝા ડાર પર ગેંગરેપમાં કથિત રીતે સંડોવણીનો આરોપ છે. પીટીઆઈના અહેવાલ મુજબ, પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે.
લાહોરની એક કોર્ટે ઇશાકના પૌત્ર રઝા ડાર સહિત ચારેય આરોપીઓને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા. અહેવાલો અનુસાર, રઝા ગયા વર્ષે સિંગાપોરમાં મહિલાઓને મળ્યા હતા અને ક્રિપ્ટોકરન્સી સાહસમાં ભાગીદાર હતા. પીટીઆઈના અહેવાલ મુજબ, તેમણે પાકિસ્તાનની મુલાકાત માટે બિઝનેસ વિઝાની વ્યવસ્થા કરી હતી. દેશની લશ્કરી સંસ્થા સાથે ગાઢ સંબંધો ધરાવતા સેનેટર વાવડાએ શનિવારે બે વિદેશી મહિલાઓના કથિત અપહરણ અને ગેંગરેપના સંદર્ભમાં ઇશાકના રાજીનામાની માંગણી કરી હતી.
વાવડાએ આ હાઇ-પ્રોફાઇલ કેસમાં ફેડરલ સરકાર અને પંજાબ પ્રાંતીય સરકાર પર મંત્રીના સંબંધીને બચાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, “જા પાકિસ્તાન અને તેની આંતરરાષ્ટ્રીય છબી માટે સહેજ પણ ચિંતા હોય, તો ઇશાક ડારે તાત્કાલિક રાજીનામું આપવું જાઈએ. તેમણે કહ્યું કે, આ કેસને બળાત્કાર કરતાં ખંડણી સુધી ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જ્યારે વિદેશી પીડિતોને શક્ય તેટલી વહેલી તકે તેમના દેશોમાં પાછા મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે.”
ઇશાક પર આકરા પ્રહારો કરતા, સેનેટર વાવડાએ કહ્યું કે પાકિસ્તાન “એક પારિવારિક કંપનીની જેમ” ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે ગેંગ રેપની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને મુખ્ય શંકાસ્પદને ઇશાક ડારના પૌત્ર તરીકે ઓળખાવ્યો. ઠ પર એક પોસ્ટમાં, વાવડાએ કહ્યું, “સંબંધિત વિદેશી દૂતાવાસના હસ્તક્ષેપ પછી જ રઝા ડારની ધરપકડ કરવામાં આવી હતી. આવા ગંભીર આરોપો સાથે, ઇશાક ડાર નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન તરીકે વિશ્વ સમક્ષ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરી શકે?”








































