પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયા ગામમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ‘નલ સે જલ’ યોજનાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ગામલોકોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા પીવાનું શુદ્ધ પાણી દરેક ઘર સુધી પહોંચાડવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં આજે પણ ગામના એક પણ ઘરમાં નળ દ્વારા પાણી પહોંચતું નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, યોજનાના કામો કાગળ પર પૂર્ણ બતાવીને સરકારી નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે, જ્યારે વાસ્તવિક સ્થિતિ સંપૂર્ણપણે અલગ છે. વારંવાર રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં ગામલોકોએ હવે જિલ્લા કલેક્ટરને લેખિત અરજી આપીને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
ગામના રહેવાસી પારગી દશરથભાઈ લાલાભાઈના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન ગામમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી. ત્યારબાદ ‘નલ સે જલ’ યોજના હેઠળ વધુ કામો પણ કરવામાં આવ્યા, પરંતુ આજદિન સુધી કોઈ પણ ઘરમાં પાણી પહોંચ્યું નથી.બોરિયા ગામ અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર હોવાથી લોકો આજે પણ પીવાના પાણી માટે દૂર આવેલા કૂવા અને હેન્ડપંપ પર નિર્ભર છે. કેટલાક કૂવાઓનું પાણી દૂષિત હોવાથી ગામલોકોના સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
સ્થાનિક હિતેશ મછારના જણાવ્યા મુજબ ગામમાં કેટલીક જગ્યાએ માત્ર પાઇપલાઇન નાખવામાં આવી છે, કેટલીક જગ્યાએ ખોદકામ અધૂરું છોડવામાં આવ્યું છે અને અમુક સ્થળોએ માત્ર નળ લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ પાઇપલાઇનનું જાડાણ જ કરવામાં આવ્યું નથી.તેમના જણાવ્યા મુજબ, માત્ર નળ લગાવવાથી પાણી આવતું નથી. વાસ્તવિક રીતે એક પણ ઘર સુધી પાણી પહોંચ્યું નથી.
ગામલોકોનો દાવો છે કે આ યોજના માટે અંદાજે ૨ કરોડ ૧૩ લાખ જેટલી સરકારી રકમ ખર્ચાઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. છતાં ગામમાં પાણી પુરવઠાની કોઈ અસરકારક વ્યવસ્થા ઉભી થઈ નથી.ગ્રામજનોનું કહેવું છે કે જા આટલી મોટી રકમ ખર્ચાઈ હોય તો ઓછામાં ઓછા મોટાભાગના ઘરોમાં પાણી પહોંચવું જાઈએ, પરંતુ હાલ લોકો હજુ પણ પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ગામલોકોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ યોજનામાં જા કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર થયો હોય તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. ગ્રામજનોનું કહેવું છે કે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રકમનો યોગ્ય ઉપયોગ થાય અને છેવાડાના માનવી સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચે તે જ તેમની મુખ્ય માંગ છે.










































