અલ નીનોના કારણે આ વખતે ગુજરાતમાં ચોમાસું મોડું બેઠું છે. રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ એક સાથે ૩ સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડશે. રાજ્યમાં વિસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આ ઉપરાંત સાઈક્લોનિક સર્ક્‌યુલેશન અને ટ્રફ સક્રિય છે જેને પરિણામે રાજ્યભરમાં ૨-૩ જુલાઈએ વરસાદ પડવાની શક્્યતા છે. હવામાન વિભાગની આગાહી કરતા અંબાલાલની આગાહી કઈક અલગ છે.
રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. હાલ એક સાથે ૩ સિસ્ટમ સક્રિય છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાઈક્લોનિક સર્ક્‌યુલેશન અને ટ્રફ. જેને પરિણામે રાજ્યભરમાં ૨-૩ જુલાઈએ વરસાદ રહી શકે છે. માછીમારોને ૧-૨ જુલાઈએ દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે. ચોમાસું ધીરે ધીરે આગળ વધશે. હાલ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સ્થિર થયેલું છે.
મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્‌યુલેશનને કારણે રાજ્યમાં ચોમાસું આગળ વધે તેવા સંજાગો છે. સુરત. વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં ગુરુવારથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા મુજબ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં બુધવારથી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પંજાબ બિહારથી વિસ્તરેલું ચોમાસું ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી દિવસોમાં વરસાદ જોર પકડી શકે છે.
બુધવારના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કલાકના ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ગાજવીજની આશંકા છે. ગુરુવારે વરસાદનું જોર વધી શકે છે. ગુરુવાર, શુક્રવાર અને શનિવાર દરમિયાન દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
બીજી બાજુ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ સાત જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલ, મહીસાગર, વડોદરામાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક
ભાગોમાં વરસાદ પડી શકે છે. અંબાલાલની આગાહી કહે છે કે હાલ દરિયામાં કોઈ સિસ્ટમ સક્રિય નથી અને અન્ય સામુદ્રિક પેરામીટર્સ સક્રિય ન હોવાના લીધે વરસાદ વિલંબમાં પડ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે વરસાદ વિલંબમાં છે. હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાના કારણે પણ વરસાદ નથી આવ્યો.
અંબાલાલની આગાહી મુજબ આગામી ત્રણ અને ચાર જુલાઈ દરમિયાન બંગાળ ઉપસાગર માં લો પ્રેશર બનવાની શક્્યતા છે. બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાઈ શકે છે. જેના કારણે પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાત પંચમહાલ આસપાસના વિસ્તારમાં વરસાદની શકયતા છે. કોઈ ભાગમાં હળવો તો કોઈ ભાગમાં ચાર થી છ ઈંચ વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્્યતા છે. ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ના ભાગોમાં પણ વરસાદની શક્્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, નવસારીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. નદીઓમાં પૂરની શક્યતા છે.
અંબાલાલની આગાહી પ્રમાણે ૩૦ જૂનથી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. ૧૧ જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ચાર જુલાઈ બાદ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાના જળ સ્તર માં વધારો થઈ શકે છે.