કોડીનારમાં અંબુજા ફાઉન્ડેશન પ્રેરિત સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીની ૧૫મી વાર્ષિક સાધારણ સભા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ૧,૭૦૦થી વધુ મહિલાઓની હાજરીમાં સંસ્થાની પ્રગતિ અને ભાવી આયોજનોની ચર્ચા થઈ હતી. વર્ષ ૨૦૧૨થી કાર્યરત આ મંડળી ૧૪૦ ગામોની આશરે ૧૭ હજાર મહિલાઓને સંગઠિત કરી શિક્ષણ, આરોગ્ય, પશુપાલન અને સ્વરોજગાર માટે સરળ ધિરાણ પૂરું પાડે છે. મંડળી દ્વારા સિલાઈ, બ્યુટી પાર્લર જેવી આવકવર્ધક પ્રવૃત્તિઓ તેમજ સેનેટરી પેડ તાલીમ, વ્યસનમુક્તિ અને શૌચાલય નિર્માણ જેવા સામાજિક કાર્યો થાય છે. આ પ્રસંગે મહિલાઓ માટે ઈ-રિક્ષા સેવાનું લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં દિનુભાઈ સોલંકી અને મોતીબેન ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.








































