અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાના તમામ ન્યાયાધીશોની ઉપસ્થિતિમાં કાનૂની જાગૃતિ અને સાક્ષરતા આધારિત વિશેષ પુસ્તક ‘કાયદાનો કક્કો’નું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકનું વિમોચન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને ચેરમેન રીઝવાના બુખારી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ.એસ. સોઢી, ડી.સી. ત્રિવેદી, એસ.સી. ગાંધી, એમ.એમ. પરમાર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ પ્રખર શર્મા તેમજ ‘અવધ ટાઈમ્સ’ના તંત્રી વિજયભાઈ ચૌહાણના હસ્તે કરાયું હતું. એક વર્ષથી અખબારમાં પ્રકાશિત થયેલા ૨૭ ઉપયોગી કાનૂની લેખોનું સંકલન કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં મફત કાનૂની સહાય, નાલસાની વિવિધ યોજનાઓ અને રોજિંદા જીવનમાં ઉપયોગી કાયદાની માહિતી સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવી છે. રીઝવાના બુખારીએ જણાવ્યું કે આ પુસ્તક લોકોમાં કાનૂની જાગૃતિ વધારશે અને પોતાના હકો તેમજ ફરજો અંગે વધુ સભાન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.









































