નીટ સહિત વિવિધ ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, “છેલ્લા ૧૨ વર્ષમાં દેશમાં અંદાજે ૧૫૨ જેટલા પેપર લીક થયા છે, જેના કારણે કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.”તેમણે કહ્યું કે, દેશભરના લગભગ ૭.૫ કરોડ વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જાવા મળી રહ્યો છે. પ્રાઇવેટ સેક્ટરમાં મંદી જેવી સ્થિતિને કારણે યુવાનો સરકારી નોકરી તરફ વળી રહ્યા છે. પરંતુ માત્ર ૬ લાખ સરકારી જગ્યાઓ સામે આશરે ૯ કરોડ ઉમેદવારો પરીક્ષા આપે છે, જેમાં સરેરાશ ૧૫૦ ઉમેદવારોમાંથી માત્ર એકને જ નોકરી મળે છે.અમિત ચાવડાએ આક્ષેપ લગાવ્યો કે, શિક્ષણ માફિયાઓના કારણે લાયક ઉમેદવારોને નુકસાન થઈ રહ્યું છે અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થા પર લોકોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. તેમણે ડબલ એન્જિન સરકારની શિક્ષણ નીતિને નિષ્ફળ ગણાવી અને કહ્યું કે સરકાર પાસે વિદ્યાર્થીઓના પ્રશ્નોના કોઈ જવાબ નથી.કોંગ્રેસે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ કરી છે. સાથે જ નીટના પેપર લીકમાં લાખો રૂપિયાના સોદા થતા હોવાનો આરોપ લગાવી સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.
કોંગ્રેસે જણાવ્યું કે હવે ‘છાત્રગુંજ’ કાર્યક્રમ દ્વારા રાજ્યભરના વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવામાં આવશે અને તેમના હિત માટે લડત ચાલુ રહેશે. આ દરમિયાન કોંગ્રેસે દાવો કર્યો કે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સતત વિદ્યાર્થીઓના હિતના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે અને પરીક્ષાર્થીઓની સાથે ઉભા છે.