કોડીનાર–અમરેલી સ્ટેટ હાઈવે પર ભૂતકાળમાં નિયમિત દોડતી એસ.ટી. બસ સેવાઓ બંધ થતાં ગીર પંથકના ગામડાઓ તેમજ મધ્યગીરના નેસડાઓમાં વસતા લોકો અને યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. એક સમયે આ રુટ પર આશરે ૨૦ જેટલી એસ.ટી. બસો નિયમિત દોડતી હોવાનો લોકોનો દાવો છે. ગીર વિસ્તારના અનેક ગામડાઓને જોડતી આ બસ સેવા વર્ષો સુધી ગ્રામ્ય જનતા માટે મહત્વપૂર્ણ પરિવહનનું સાધન રહી હતી. કનકાઈ અને બાણેજ જેવા યાત્રાધામો સુધી પહોંચતા દર્શનાર્થીઓ પણ વર્ષો સુધી એસ.ટી. બસ સેવાનો લાભ લેતા હતા. અમરેલી–કોડીનાર, વેરાવળ–અમરેલી, હડમડીયા–અમદાવાદ સહિતના વિવિધ રૂટ પર અગાઉ મુસાફરોની સારી એવી અવરજવર રહેતી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ એસ.ટી. નિગમને પણ આ રૂટ પરથી સારી આવક થતી હતી. તેમ છતાં સમય જતાં અનેક રૂટ બંધ થતાં ગ્રામ્ય વિસ્તારના લોકો માટે જાહેર પરિવહનની સુવિધા ઘટી હોવાનું લોકો જણાવી રહ્યા છે. સ્થાનિકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે કે ચૂંટણીના સમયે રાજકીય આગેવાનો અને નેતાઓ સક્રિય બને છે, પરંતુ ચૂંટણી બાદ પાયાની સુવિધાઓ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. લોકોએ સ્પષ્ટ માંગ કરી છે કે અમરેલી–કોડીનાર, વેરાવળ–અમરેલી અને સાવરકુંડલા–કનકાઈ સહિત ભૂતકાળમાં ચાલતા અને હાલમાં બંધ થયેલા જરૂરી એસ.ટી. રૂટોની સમીક્ષા કરી તાત્કાલિક બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવે. જો આ માંગનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે.