ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર આવેલા ઉના તાલુકાના કાણકબરડા ગામના પાટિયે દિશાસૂચક બોર્ડનો અભાવ અને બંધ પડેલી ટ્રાફિક સિગ્નલ લાઇટોના કારણે વાહનચાલકો તથા
સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉના તરફથી આવતા વાહનો મુખ્ય બોર્ડ ન હોવાને લીધે આગળ નીકળી જતાં સમય અને ઇંધણનો વ્યય થાય છે.તંત્રની બેદરકારીને લીધે આ વળાંક પર અકસ્માતનો તોળાતો ભય સતત રહે છે. ઘણા સમયથી તૂટેલી સિગ્નલ લાઇટ રીપેર ન થવાથી અને રાત્રિના સમયે ભારે અંધારપટ રહેતો હોવાથી વાહનો વળતી વખતે અકસ્માત સર્જાવાની શક્યતા વધી જાય છે. સ્થાનિક ગ્રામજનોએ આ માર્ગ પર તાત્કાલિક કાણકબરડાનું મોટું દિશાસૂચક બોર્ડ મૂકવા તેમજ નવી ટ્રાફિક સિગ્નલ લાઇટ અને સ્ટ્રીટ લાઇટો કાર્યરત કરવાની કડક માંગ કરી છે, અન્યથા આગળ ઉગ્ર રજૂઆતો કરવાની ચીમકી આપી છે.