આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને પોતીકું ઘર મળી રહે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીએમએવાય ૨.૦ના એએચપી ઘટક હેઠળ ચાંદખેડા અને મોટેરા વિસ્તારમાં કુલ ૧૪૩૬ ઈડબ્લ્યુએસ આવાસોના નિર્માણની મંજૂરી આપવામાં આવી છે. બંને યોજનાઓ પાછળ કુલ રૂ. ૧૫૦ કરોડથી વધુનો ખર્ચ થવાનો છે.
ચાંદખેડા-ઝુંડાલ, ટીપી-૭૪, એફપી-૧૪૪/૨ ખાતે રૂ. ૧૩.૦૧૧ કરોડના ખર્ચે ૧૨૬ આવાસ બનાવવામાં આવશે. આ કામગીરી કે.કે. કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવશે. જ્યારે ચાંદખેડા વોર્ડના મોટેરા-અમિયાપુર, ટીપી-૪૬, એફપી-૨૩૩ ખાતે રૂ. ૧૩૭.૨૨ કરોડના ખર્ચે ૧૩૧૦ આવાસનું નિર્માણ શાંતિ કન્સ્ટ્રક્શન પ્રા. લિ. દ્વારા કરવામાં આવશે.
આ આવાસ યોજનામાં માત્ર ફ્લેટ ઉપલબ્ધ કરાવવાનો જ નહીં, પરંતુ રહેવાસીઓને જરૂરી સામાજિક અને પાયાની સુવિધાઓ આપવાનો પણ સમાવેશ થાય છે. દરેક આવાસમાં ૩૫ ચો.મી.નો કાર્પેટ એરિયા રહેશે. આવાસ પરિસરમાં બાળકો માટે આંગણવાડી, સુરક્ષા વ્યવસ્થા માટે સિક્યોરિટી કેબિન અને વહીવટી કામગીરી માટે સોસાયટી ઓફિસની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત કેમ્પસમાં આંતરિક રસ્તા, લાઇટિંગ અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ વિકસાવવામાં આવશે. બંને પ્રકલ્પ પૂર્યા બાદ કુલ ૧૪૩૬ ઈડબ્લ્યુએસ પરિવારોને સુવિધાયુક્ત આવાસ મળી શકશે. ખાસ કરીને ભાડાના મકાનમાં રહેતા અથવા પોતીકું ઘર ખરીદવાની ક્ષમતા ન ધરાવતા પરિવારો માટે આ યોજના ઘર મેળવવાની તક ઊભી કરશે.
મુખ્ય આંકડાઓ
કુલ નવા ઈડબ્લ્યુએસ આવાસ ૧૪૩૬
ચાંદખેડા-ઝુંડાલ આવાસ ૧૨૬
મોટેરા-અમિયાપુર આવાસ ૧૩૧૦
ચાંદખેડા-ઝુંડાલ ખર્ચ રૂ. ૧૩.૦૧ કરોડ
મોટેરા-અમિયાપુર ખર્ચ રૂ. ૧૩૭.૨૨ કરોડ
કુલ પ્રકલ્પ ખર્ચ રૂ. ૧૫૦.૨૩ કરોડ
દરેક આવાસનો કાર્પેટ એરિયા ૩૫ ચો.મી.







































