રાજુલા પંથકમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોના વિવિધ ઊભા પાકને પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી. અપૂરતા વરસાદના કારણે પાકને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો હતો અને પાક સુકાઈ જવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી. આ સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ધાતરવડી ડેમ-૧માંથી આજે સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે.ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત નિયંત્રિત બજાર સંઘના ચેરમેન જીગ્નેશ પટેલ દ્વારા ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને પગલે સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.સ્થાનિક ખેડૂતોના હસ્તે ડેમમાંથી પાણી છોડવામાં આવતા પંથકના ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ડેમની નીચે આવતા માંડરડી, વડલી, ધારેશ્વર, કુંડલિયાળા, ચારોડીયા સહિત આસપાસના કુલ ૧૩ ગામોના ખેડૂતોને આ પાણીનો સીધો લાભ મળશે. વરસાદની અછત વચ્ચે છોડાયેલું પાણી પાક માટે જીવનદાન સમાન સાબિત થતાં ખેડૂતોને મોટી રાહત મળી છે.










































