શહેર પોલીસે આજે શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલા આઠ જેટલા મસાજ પાર્લરોમાં એક સાથે રેઈડ કરીને મસાજ પાર્લરના ઓઠા નીચે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને તપાસી હતી. આજે શહેરના આઠ સ્પામાં તપાસ દરમિયાન દેહ-વિક્રય કે અન્ય કોઈ અપરાધની ઘટના સામે આવી ન હતી.

જુનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને જિલ્લા પોલીસની સંયુક્ત ટીમો દ્વારા જુનાગઢ શહેરના એ બી સી અને તાલુકા પોલીસ મથક વિસ્તારની હદમાં આવતા આઠ જેટલા મસાજ પાર્લરોમાં આજે રેઈડ કરીને બોડી મસાજના નામે ચાલતા ગુનાહિત કામોને ખુલ્લો પાડવાનો એક પ્રયાસ કર્યો હતો.

પોલીસની આ કાર્યવાહી દરમિયાન મસાજ પાર્લરોમાં અત્યાર સુધી કોઈ અનૈતિક પ્રવૃત્તિ કે દેહ વિક્રયનું કોઈ અન્ય ગેરકાયદે પ્રવૃતિ સામે આવી નથી, પરંતુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનું પાલન ન થતું હોવાથી તમામ ૮ સ્પાના સંચાલકો સામે પોલીસે ધોરણ સરની કાર્યવાહી શરૂ કરી છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઇ. કે.એમ.પટેલ દ્વારા જુનાગઢ શહેરના પ્રીમિયમ ફેમિલી સ્પા, ડોલ્ફીન ફેમિલી સ્પા, ધ ફેમેલી સ્પા, બેસ્ટ ફેમિલી સ્પા, ગોલ્ડન તુલિપ સ્પા, રિલેક્સ સ્પા, ઓરા ફેમેલી સ્પા અને હેવન ફેમિલી સ્પામા તપાસ કરતા અહીં મસાજ પાર્લરમાં કામ કરતાં ગુજરાત બહારના લોકોની જાણ નજીકના પોલીસ મથકોને કરી ન હતી.

આ સિવાય પોલીસ વિભાગ અને જિલ્લા કલેકટરના જાહેરનામા અનુસાર પ્રત્યેક સ્પાના સંચાલકો દ્વારા ૩૦ દિવસનું સીસીટીવી વીડિયો રેકો‹ડગ બેકઅપ રાખવાનુ હોય છે, તે નિયમનો પણ આ તમામ સ્પામા ભંગ થતા પોલીસે તમામ આઠ સ્પાના સંચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે.