ગુજરાત ભાજપમાં શાંત દેખાતો આંતરિક વિખવાદ ફરી એકવાર જ્વાળામુખીની જેમ ફાટ્યો છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરૂદ્ધ મહેસાણા ભાજપના જ કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની એક સળગતી ઓડિયો ક્લિપ વાયરલ થતાં પ્રદેશના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઓડિયોમાં કોર્પોરેટર ચંદ્રકાંત પટેલ નીતિન પટેલ માટે માત્ર બેફામ અપશબ્દો જ નથી બોલી રહ્યા, પણ નીતિનભાઈની રાજકીય કારકિર્દી પોતે જ ખતમ કરી હોવાની ડંફાસો મારી રહ્યા છે.
આ શબ્દો છે મહેસાણા ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલના….અને હાલ કોર્પોરેટર ચંદ્રકાંત પટેલ અને એક કાર્યકર વચ્ચેની કથિત વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હોબાળો મચી ગયો છે. ઓડિયો ક્લીપમાં નીતિન પટેલને વારંવાર ગાળો આપવાની સાથે દાવો કરાયો છે કે પાટીદાર અનામત આંદોલન નીતિન પટેલે જ ઊભું કર્યું હતું અને આ વાતના પાકા પુરાવા તેમણે છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચાડ્યા હતા. તેમના આ જ પુરાવાના કારણે નીતિન પટેલને પાર્ટીમાં કોઈ મોટું પદ ન મળ્યું હોવાનો દાવો કરાયો છે.
ચંદ્રકાંત પટેલ આટલાથી ન અટક્યાં, ચંદ્રકાંત પટેલની ઓડિયોમાં દહેશત અને અહંકાર એટલી હદે જાવા મળી રહ્યો છે કે તેઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે, ‘મેં જ નીતિન પટેલનું પિક્ચર પૂરું કરી નાખ્યું છે અને ભાજપ તેમને ક્્યારેય કોઈ રાજ્યના રાજ્યપાલ પણ નહીં બનાવે. આ વિવાદિત ઓડિયો વાયરલ થયા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મૌન તોડ્યું છે અને સામો મોટો ધડાકો કર્યો છે. નીતિન પટેલે જણાવ્યું કે, ગઈકાલે જ તેમને ૫ વર્ષ જૂનો વધુ એક ઓડિયો મળ્યો છે, જેમાં આ જ કોર્પોરેટર ભાજપના જ સત્તાવાર ઉમેદવારને હરાવવાની ગંદી રમત રમી રહ્યો છે. નીતિનભાઈએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, જે ચંદ્રકાંત પટેલને તેમણે ભૂતકાળમાં વ્યવસાયમાં આટલી મદદ કરી, તે જ વ્યક્તિ તેમની પીઠ પાછળ ખંજર ભોંકી રહ્યો છે.”
નીતિન પટેલે આ સમગ્ર પ્રકરણને અત્યંત ગંભીરતાથી લઈને આરપારની લડાઈના મૂડમાં છે. તેમણે પ્રદેશ મહામંત્રી અને જિલ્લા પ્રભારી સહિતના પક્ષના મોવડીમંડળને આ બંને ઓડિયો ક્લિપના સજ્જડ પુરાવા સોંપી દીધા છે, સાથે જ પક્ષ વિરોધી કામગીરી કરનાર અને ગંદી ભાષા બોલનાર આ વ્યક્તિ સામે તાત્કાલિક શિસ્તભંગની કડક કાર્યવાહી કરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની માગ કરી છે. ભાજપ હંમેશા પોતાની શિસ્ત અને ‘નો રિપીટ થિયરી’ માટે જાણીતો છે, પરંતુ મહેસાણાનો આ આંતરિક ઘાતક વિખવાદ દર્શાવે છે કે સત્તાની લડાઈમાં પક્ષની અંદર જ મોટા કાવતરાં ઘડાઈ રહ્યા છે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પુરાવા આપીને હવે દડો પ્રદેશ નેતૃત્વની કોર્ટમાં નાખ્યો છે. હવે જાવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ આ શિસ્તભંગ સામે કેવા અને કેટલા ઝડપી પગલાં ભરે છે.











































