અમરેલી વિધાનસભા વિસ્તારમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ અને જેટકોના સહયોગથી ગામેગામ હિટાચી મશીન ફાળવી જળસંચય અને જળસિંચનનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી બદલ ગુજરાત સરકારના રાજ્ય ઊર્જા મંત્રી કૌશિક વેકરીયાનું મોટા માંડવડા ગામ પરિવાર તથા આજુબાજુના ગામોના લોકોએ ભાવપૂર્વક સન્માન કર્યું હતું. આ પ્રસંગે કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે અમરેલી જિલ્લામાં વિકાસ માટે ઉદાર હાથે સહાય કરી છે અને આગામી સમયમાં પણ વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે. જળસંચય જેવા લોકહિતના કાર્યો ગ્રામ્ય વિકાસ માટે ખૂબ જ જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રફુલભાઈ સેંજલિયા, જયસુખભાઈ કસવાલા સહિતના આગેવાનો તથા વિસ્તારના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.