જાફરાબાદના સ્ટેટ હાઇવે ઉપર આવેલા હેમાળ ગામમાં નવો નેશનલ હાઇવે પુલ બન્યા બાદ એસટી બસ વ્યવસ્થામાં મોટો ફેરફાર થયો છે, જેના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
આશરે પાંચ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં અગાઉ પાદર પાસે આવેલા જૂના એસટી સ્ટોપ પર રોજની અંદાજે ૧૫ જેટલી એક્સપ્રેસ બસો ઊભી રહેતી હતી. પરંતુ હવે બસો પુલના બંને છેડે ઊભી રહેતી હોવાથી મુસાફરોને અડધો કિલોમીટર સુધી સામાન સાથે પગપાળા ચાલવું પડે છે. હેમાળ અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકો અમદાવાદ, તાલાલા, રાજુલા, વેરાવળ અને ઉના જવા માટે આ બસો પર જ નિર્ભર છે. હાલ બસો ગામની અંદર ન આવતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો અને વિદ્યાર્થીઓ માટે રાત્રિના સમયે મુશ્કેલીઓ ખૂબ વધી ગઈ છે. ચોમાસાની ઋતુ નજીક આવતાં જ વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરો માટે પરિસ્થિતિ વધુ કફોડી બનવાની ભીતિ સેવાઈ રહી છે.