સાવરકુંડલાના ઓળિયા ગામે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્નીની હયાતીમાં પતિએ બીજા લગ્ન કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ અંગે હાલ સાવરકુંડલામાં રહેતા મેઘનાબેન બગડા (ઉ.વ.૨૫)એ મનીષભાઇ જયસુખભાઇ બગડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના લગ્ન ગત તા. ૦૫/૦૨/૨૦૨૧ ના રોજ અમરેલી નગરપાલિકામાં રજીસ્ટર મેરેજથી થયા હતા. લગ્ન બાદ થોડો સમય ઘરસંસાર સારો ચાલ્યા પછી પતિ દ્વારા માનસિક ત્રાસ આપી મેણા-ટોણા મારવાનું શરૂ કરાયું હતું. પતિ મનીષે મારા પિતાજીની તબિયત સારી રહેતી નથી. આપણે મારા બાપુજીને બતાવવા સારું અત્યારે છૂટાછેડા લઈ લઈએ, પછી આપણે ફરી સાથે જ રહીશું તેમ કહ્યું હતું. પતિની વાતોમાં આવી ગયેલી પત્ની પાસે નોટરી રૂબરૂ સહી કરાવી લેવામાં આવી હતી. કાયદેસરના છૂટાછેડા થયા ન હોવા છતાં અને પ્રથમ પત્નીની હયાતી હોવા છતાં, પતિ મનીષભાઈ બગડાએ ગત તા. ૧૦/૦૫/૨૦૦૬ ના રોજ અમરેલીના ધીરૂભાઇ પ્રેમજીભાઇ વિંઝૂડાની દીકરી તરૂણાબેન સાથે બીજા લગ્ન કરી લીધા હતા. આ બાબતની જાણ થતાં જ તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે જે રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.