રાજ્ય વેરા ખાતાની મોબાઇલ સ્કોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરતા યોગ્ય દસ્તાવેજા વિના પરિવહન કરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે. મોબાઇલ સ્કોડ ટીમે અમદાવાદમાં વિશેષ ચકાસણી દરમિયાન નારોલ નજીકથી ખાનગી બસમાંથી મોટી માત્રામાં સોનું-ચાદી તેમજ કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે કર્યો છે. આ મુદ્દામાલની કુલ કિંમત ૪.૨૫ કરોડ આંકવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજ્ય વેરા ખાતાની મોબાઈલ સ્ક્વોડ ટીમ દ્વારા અમદાવાદમાં હાથ ધરવામાં આવેલી વિશેષ ચકાસણી દરમિયાન એક અત્યંત મહત્વની સફળતા મળી છે. બાતમી અને સર્વેલન્સના આધારે ટીમે તપાસ શરૂ કરી હતી. ત્યારે નારોલ પાસેથી ખાનગી બસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં યોગ્ય બિલ કે દસ્તાવેજા વગર સોના-ચાંદીના જથ્થાની હેરફેર કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું હતું.
અધિકારીઓએ સ્થળ પર જ તપાસ કરતા મોટા પ્રમાણમાં કિંમતી ધાતુઓનો જથ્થો કબજે કર્યો છે. જેમાં આશરે ૧૨૦ કિલો ચાંદી, ૭૦૦ ગ્રામ સોનું અને ૩ કિલો જેટલા કિંમતી રત્નો કે પથ્થરોનો સમાવેશ થાય છે. આ તમામ માલસામાન કોઈપણ પ્રકારના ટેક્સ પેમેન્ટ કે પરિવહન દસ્તાવેજા વિના લાવવામાં આવી રહ્યો હતો. આ જથ્થાની બજાર કિંમત ૪.૨૫ કરોડ જેટલી આંકવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં માલના માલિકો કે પરિવહન કરનારાઓ કોઈ પણ સંતોષકારક ખુલાસો કરી શક્યાં નથી. આટલી મોટી માત્રામાં કિંમતી વસ્તુઓની હેરફેર પાછળ કરચોરીનો મુખ્ય ઇરાદો હોવાની શંકા સેવવામાં આવી રહી છે. હાલમાં વેરા ખાતાના અધિકારીઓ આ માલનો મૂળ સ્ત્રોત અને તેનું ગંતવ્ય સ્થળ કયું હતું, તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.
આ પ્રકારની ઓચિંતી કાર્યવાહીને પગલે વેપાર જગતમાં ભારે ચર્ચા જાગી છે. અમદાવાદ જેવા મોટા વેપારી મથકો પર હવે વિભાગની નજર વધુ તેજ થઈ છે. કરચોરી કરીને માલસામાનની હેરાફેરી કરનારા તત્વોમાં આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં આવી ઝુંબેશ વધુ કડક કરવામાં આવશે.
રાજ્ય વેરા વિભાગે જણાવ્યું છે કે, કરચોરી રોકવા માટે વિભાગ કટિબદ્ધ છે. ભવિષ્યમાં પણ ગેરકાયદેસર અને દસ્તાવેજા વગરના માલસામાનના પરિવહન સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. તમામ વેપારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ નિયમોનું પાલન કરે અને દરેક ટ્રાન્ઝેક્શન માટે જરૂરી કાયદેસરના દસ્તાવેજા સાથે રાખે, અન્યથા તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.







































