આફ્રિકન દેશ કેન્યામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. કેન્યાના નકુરુ કાઉન્ટીમાં આવેલી એક પ્રતિષ્ઠિત ગર્લ્સ એકેડેમીના છાત્રાલય (હોસ્ટેલ) માં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક અગ્નીકાંડમાં ગાઢ નિદ્રામાં સૂતેલી ૧૬ માસૂમ વિદ્યાર્થીનીઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૭૪ જેટલી દીકરીઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ હોનારતને પગલે સમગ્ર કેન્યા સહિત વિશ્વભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી આંતરરાષ્ટ્રીય વિગતો અનુસાર, આ દર્દનાક ઘટના નકુરુમાં આવેલી ઉતુમિશી ગર્લ્સ એકેડેમીમાં વહેલી સવારે આશરે ૩ઃ૩૦ વાગ્યાના સુમારે બની હતી. શાળાના ડોર્મિટરી (છાત્રાલય) ખંડમાં જ્યારે તમામ વિદ્યાર્થીનીઓ ઘસઘસાટ સૂતી હતી, ત્યારે અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જાતજાતામાં આગની જ્વાળાઓ અને ઝેરી ધુમાડાએ આખી બિલ્ડીંગને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. અચાનક લાગેલી આગને કારણે હોસ્ટેલમાં ભારે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ કેન્યા રેડ ક્રોસની ટીમો અને ફાયર ફાઈટરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. રેડ ક્રોસના જણાવ્યા મુજબ, શરૂઆતમાં ઘટનાસ્થળે જ ૧૦ વિદ્યાર્થીનીઓના મોતની પુષ્ટિ થઈ હતી. પરંતુ, સેન્ટ જાસેફ હોસ્પિટલ સહિત અન્ય મેડિકલ સેન્ટરોમાં સારવાર લઈ રહેલી ગંભીર રીતે દાઝેલી દીકરીઓમાંથી વધુ ૬ વિદ્યાર્થિનીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૬ પર પહોંચ્યો છે. હજુ પણ કેટલીક યુવતીઓની હાલત અત્યંત ચિંતાજનક હોવાનું હોસ્પિટલના સૂત્રો જણાવી રહ્યા છે.
કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ આ કરુણ દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી મૃતક પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. વહીવટી તંત્ર દ્વારા આ ભયાનક આઘાતમાંથી બચી ગયેલી વિદ્યાર્થીનીઓ, તેમના પરિવારો અને શાળાના સ્ટાફના માનસિક સ્વાસ્થ્ય માટે ચિલ્ડ્રન સર્વિસિસ વિભાગ દ્વારા ખાસ મનોસામાજિક સહાય અને કાઉન્સેલિંગ નિષ્ણાતોની ટીમો તૈનાત કરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી, પરંતુ સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા આ મામલે હાઈ-લેવલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક દુર્ઘટના પાછળ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. તાજેતરના વર્ષોમાં કેન્યાની શૈક્ષણિક સંસ્થાઓમાં બનેલી આ સૌથી મોટી અને હૃદયદ્રાવક આગની ઘટના માનવામાં આવી રહી છે.










































