‘અમથાલાલ.. અમથાલાલ..! હવે હું આવું બધું જોઈ – જોઈને થાકી ગયો છું. હવે વધારે જોવાની મારાંમાં તેવડ નથી.’
બેરાલાલે આવતાં વેંત જ બળાપો ઠાલવ્યો.
‘‘કેમ? કેમ? એવડું બધું તો હું જોઈ ગયાં છો? અને હવે વધારે કેમ નથી જોવું? માણસે જીવશે ત્યાં સુધી જોયાં જ કરવાનું છે. અને તમે હામેથી ના પાડો છો!? જોવાં માટે તો જિંદગી છે. જોયાં વગર હાલવાનું નથી. બોલો, શું કરશો??’’
‘‘અરે પણ હાવ આમ હોય!? જરાક તો શરમ જેવી જાત હોય કે નહીં?’’
‘‘શરમ બરમ હંધીય સિમાડે મૂકી દીધી છે. શરમ વગરનાં થાવ તો જ તમારું કોઇ હાંભળે છે. પણ, તમે એવું તે હું જોઈ ગયાં? કે તમને આવડો મોટો ધક્કો વાગ્યો!?’’
‘‘તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ગઈ. હવે નોટું છાપવાનાં કારીગરો ગોઠવવાના થયાં. ડખો ન્યા થયો કે સહી કોણ કરશે? ગાડી કોને મળશે? ’’
‘‘હવે ઈ તો આપણે જ મત આપ્યાં છે. તો ગાડીમાં તો ફરશે જ ને!!’’
‘‘હા પણ..! મતની આમ જાહેરમાં ફજેતી કરાય!?’’
‘‘થયું શું? એ તો કહો.!’’
‘‘તમારી થાળીનો લાડવો તો તમારે ખાવો જ છે. પણ, બીજાંની થાળીનો લાડવો’ય તમારે ઝાપટી જાવો છે? અને ઈય બળ જબરી કરીને!??’’
‘‘હવે આમાં લાડવો ક્યાં આવ્યો? આમાં તો ખુરશી જ આવે.’’
‘‘તમને જનતાએ ખુરશી આપી છે. એ તમે ભોગવો. સામે વાળાને મળી છે, એ ઈ ભોગવશે! પણ તમે એનાં પાયા તો ના તોડો..!! અને હાવ શરમ વગરની વાત તો ઈ છે, કે આઠ દિવસ પહેલાં જે તમને દુશ્મન લાગતાં હતાં. એને પગે પડીને તમે પ્રમુખ બનાવો છો!?? હવે તો શરમેય ગળા ફાંસો ખાઈ લેહે. શરમને તો શરમના ચોકઠામાં રહેવાં દો.’’
‘‘જો બેરાલાલ!’’
બનેવીલાલ ક્યારનાં હાંભળતા’તા.
‘‘રાજકારણ અને રાજકારણીને એક જ મુદ્દાનો કાર્યક્રમ હોય છે. ખુરશી.. ખુરશી..અને ખુરશી!!
પૈસા આપો, ધાક- ધમકી આપો,લોભ -લાલચ આપો,ન માને તો છેવટે ખુરશી’ય આપો!! પણ ? એને આપણો બનાવો. જરુર પડે તો આંદોલન કરાવો, તોફાન કરાવો , સરકારી મિલકતોને નુકસાન પહોંચાડો. પણ, પરિણામ લાવો’’
‘‘ના..ના..ના..! બનેવીલાલ! હાવ આવું હોય?’’
‘‘આપણને ખબર નથી. પણ મોબાઇલનું રેર્કોડિંગ બોલે છે. જેવો કરોડો રૂપિયાથી જોખાણાં છે. ઈ બોલે છે. આપણું તો ન્યા લગણ પોગવાનું’ય ગજૂ નથી. પૈસા તો દૂરની વાત છે.’’
‘‘પણ ; મને એક વાત નો હમજાણી!? આ હંધાયને પૈસા ભેગાં કરીને જાવું છે ક્યાં?’’
‘‘મોજ મજા કરવાં!! દેખાડો કરવાં !!’’
‘‘હા પણ, હવે દુનિયા ખતમ થવાની છે. પછી પૈસાનું આવશે શું?? કરન્સી કાગળિયાં બની જવાનાં છે.’’
‘‘કોણે કહ્યું કે, દુનિયા ખતમ થવાની છે?’’
‘‘અરે..! આવી રંગ બે રંગી દુનિયામાં એક માણસ છે. અને એની વાત માનવા વાળા’ય હજારો માણસો છે. જેમણે હંધૂય છોડી દીધું છે.’’
‘‘તમે કોની વાત કરો છો? ભારતમાં તો આવું કોઈ નથી. અને ભારત એમ માને
એમે’ય નથી.’’
‘‘એમ તો અમેરિકા કે ઈરાને’ય ક્યાં માને છે? પાકિસ્તાને ખાતર ઉપર ધૂપ ધુવાંડા કર્યા. પણ, પરીણામ શૂન્ય. પણ, ઉપરનો ફોટો જોયો?’’
‘‘હા, જોયો! લાગે છે, કોક ભીખારી છે.’’
‘‘એ ભીખારી નથી. હજારો હજારો માણસોને ભીખારી કરી દીધાં છે.’’
‘‘હું કાંઈ હમજયો નહીં!!’’
‘‘કળિયુગના અવતારોમાં એક વધું અવતાર જોડાઈ ગયો છે. આ
ભાઈ ‘ઈ લોહ નૂહ’ પોતાની જાતને અવતાર મસીહા તરીકે ઓળખાવે છે.’’
‘‘હા પણ, અવતારના કપડાં સાવ આવાં??’’
‘‘ત્યાગ ત્યાગ, એમની ફિલોસોફી છે કે દુનિયાનો અમૂક તારીખે પ્રલય થવાનો છે. જેવો હંધૂય વેચીને, ઘરબાર છોડીને મારાં ચરણે આવશે. ફકત ઈ જ બચી શકશે.
પ્રલયમાં માત્ર મારો આશ્રમ જ ટકી જશે. બાકી બધું જ પ્રલયમાં નાશ પામશે. મારાં શરણે ધરેલું ધન હું તમને નવી જિંદગી સાથે પરત આપીશ.’’
‘‘તો..ઓ..લોકોએ શું કર્યું? એમની વાત માની?’’
‘‘હા..આ.!! માની શું નોકરી -બોકરી, ઘર -બાર, હંધૂય વેચીને હજારો લોકો એમનાં શરણમાં પહોંચી ગયાં. અને એ હંધાયને લઈને એ ચાલ્યો જંગલમાં. કહે સ્વર્ગની સીડી અહીંથી નજીકમાં જ છે.’’
‘‘પછી? એ હંધાય સ્વર્ગમાં ગયાં?? આપણાં રાજકારણીઓ આની હારે જાય એવાં લાગે છે તમને?’’
‘‘ના..આ..!! સ્વર્ગમાં તો ના ગયાં, પણ પોલીસ સ્ટેશનમાં ગયાં. આપેલી તારીખ નજીક આવી. પ્રલય બ્રલય તો ના થયો. પણ પોલીસ આવી પુગી.
જે ‘ઈલોહ નૂહ’ હંધાયને બચાવવાની વાત કરતો હતો . પ્રલયથી બચાવવાની વાત કરતો હતો.એ જ ઢોંગી માણસ પોલીસને કરગરતો હતો. મને બચાવી લો.
kalubhaibhad123@gmail.com









































