બગસરા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સરકારી ટેલિકોમ કંપની બી.એસ.એન.એલ. (BSNL)ની મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ જતાં સ્થાનિક ગ્રાહકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે જયારે કંપની દ્વારા કેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારો કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે જયારે બીજી બાજુ બગસરામાં BSNLનું નેટવર્ક ઠપ્પ થયું છે. મોબાઈલમાં નેટવર્ક બિલકુલ ગાયબ હોવાને કારણે લોકોને કોલ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, ઈન્ટરનેટ સેવા પણ બંધ હોવાથી ઓનલાઈન કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયા છે. હાલના ડિજિટલ યુગમાં બેંકિંગ, ઓનલાઈન પેમેન્ટ (UPI), સરકારી કચેરીઓના કામો તેમજ સ્થાનિક વેપારીઓનો બિઝનેસ સંપૂર્ણપણે નેટવર્ક પર આધારિત છે. BSNL ની સેવા બંધ હોવાના કારણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અટકી પડ્‌યા છે, જેનાથી નાના-મોટા વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. વિદ્યાર્થીઓને પણ ઓનલાઈન અભ્યાસ અને ફોર્મ ભરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક ગ્રાહકોના જણાવ્યા અનુસાર, BSNL ના જવાબદાર અધિકારીઓ કે હેલ્પલાઈન દ્વારા આ ખામી ક્યારે સુધારવામાં આવશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી રહી નથી. જો આગામી સમયમાં સેવાઓ શરૂ નહીં થાય તો વેપારીઓ દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.