દામનગર શહેરના મુખ્ય હાર્દસમા વિસ્તાર એવા સરદાર સર્કલ અને હવેલી પાસેથી અલગ-અલગ વિસ્તારોમાં જવા માટે ચાર રસ્તા આવેલા છે. આ વ્યસ્ત ચાર રસ્તા પરથી દિવસ-રાત નાના-મોટા વાહનો અને લોકોની અવરજવર સતત વધુ રહેતી હોય છે. વહેલી સવારથી લઈને મોડી રાત્રી સુધી અહીં ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો થવાનો ભય રહે છે. વાહનોની અનિયંત્રિત ગતિને કારણે રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા જોખમાય છે. જો આ ચારેય દિશાના રસ્તાઓ પર યોગ્ય સ્પીડ બ્રેકરો બનાવવામાં આવે, તો વાહનોની ગતિ આપોઆપ ધીમી થઈ શકે તેમ છે. આ ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે અને સંભવિત જીવલેણ અકસ્માતો અટકાવવા માટે સ્થાનિક સત્તાધીશો દ્વારા અહીં તાત્કાલિક ધોરણે સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે. વહીવટી તંત્ર આ બાબતે વહેલી તકે યોગ્ય પગલાં ભરે તે સમયની માગ છે.