કાલુ નામે એક ગલૂડિયું હતું. એ નાનું-નાનું, ધોળું-ધોળું અને મસ્ત મજાનું હતું. કાલુ આખો દિવસ ગામની શેરીઓમાં ‘ટબુક ટબુક’ દોડ્‌યા કરે. પટપટ પૂંછડી હલાવતું જાય ને દોડતું જાય!
એક વખત ધોમધખતા બપોરના તડકામાં એ ફરવા નીકળ્યું. સૂરજદાદા આકાશમાં રહીને ગોળ-ગોળ આંખો કાઢતા હતા. કાલુ જીભ બહાર કાઢીને – ‘લપ લપ લપપ’ કરતો ખરા બપોરે ચાલતો જતો હતો. ત્યાં જ એની નજર જમીન પર પડી.
“બાપ રે બાપ! આ શું?” – કાલુની આંખો તો ફાટી જ ગઈ! એની આંખો જમીન પર ચોંટી જ ગઈ. એણે જોયું કે જમીન પર એક નાનું, કાળું-મેશ અને એકદમ પાપડ જેવું ચપટું કૂતરું હતું! એ અદલ એના જેવું જ હતું! કાલુ જેમ ચાલે, એમ પેલું કાળું કૂતરું પણ એની સાથે ને સાથે જ ચાલે – ‘ધબપ ધબપ ધબ..!’ કાલુ ચાલે તો એ પણ ચાલે, ને કાલુ ઊભું રહે તો એ પણ ઊભું રહે!
કાલુ થોડો આગળ જઈ સહેજ ઊભો રહ્યો તો પેલું કાળિયું પણ ઊભું રહ્યું. તે એની સામે જોઈને તાડુક્યો, “ભૌં… ભૌં… ભૌં! તું કોણ છે? ચાલ, ભાગ અહીંથી!” પણ પેલું પાપડ જેવું કૂતરું તો કાંઈ બોલ્યું જ નહીં, બસ મૂંગું-મૂંગું મોં ફાડીને ઊભું રહ્યું.
કાલુને થયું, ‘લાવ એને ચિડાવું!’ કાલુએ પોતાની જીભ બહાર કાઢીને ચિડાવ્યો – ‘લપલપલપ!’ સામે પેલા કળિયાએ પણ જીભ કાઢી! કાલુએ પોતાનું નાક ફુલાવીને મોટું કર્યું, તો પેલાએ પણ નાક ફૂલાવ્યું! કાલુએ ગુસ્સામાં આવીને પોતાનો પાછળનો પગ ઊંચો કરીને કાન ખંજવાળ્યા. પેલા કાળા વહેંતિયાએ પણ પગ ઊંચો કરીને કાન ખંજવાળ્યા!
“હત્ત તેરીની! આ તો મારો પાક્કો નકલખોર છે!” કાલુ હવે ખીજાયો. એણે નક્કી કર્યું કે આજે તો આ કાળા કૂતરાને બરાબરનો હંફાવવો છે.
કાલુએ દોટ મૂકી – ‘સૂૂઉઉઉઉપ સરરરર..!’ એ તો દોડ્‌યો! બહુ જ દોડ્‌યો! એની પાછળ પાછળ પેલું કાળું કૂતરું પણ એટલી જ ઝડપે દોડ્‌યું. કાલુ થાકીને લોથપોથ થઈ ગયો. પણ પેલું કાળિયું એનો પીછો છોડતું નહોતું.
કાળું જ્યાં જાય ત્યાં પેલું કાળિયું પાછળ ને પાછળ આવે! કાલુ જેવું કરે તેવું એ કરે. કાલુને કાંઈ સમજાયું નહીં. કાલુએ વિચાર્યું, ‘લાગે છે આ તો પાક્કો જાદુગર છે!’
ત્યાં જ આકાશમાં એક મોટું, કાળું-ડિબાંગ વાદળું દોડતું દોડતું આવ્યું અને સૂરજદાદાની આગળ આડું આવી ગયું. તડકો ગાયબ અને બધે જ છાંયડો થઈ ગયો. જેવો છાંયડો થયો એવો તરત ચમત્કાર થયો! પેલું કાળિયું ચપટું કૂતરું છૂૂમંતર થઈ ગયું! કાલુએ આજુ-બાજુ, ઉપર-નીચે, ઝાડની પાછળ, પથ્થરની નીચે બધે જ જોયું, પણ કાળિયું ક્યાંય જોવા મળે નહીં! કાળિયું અચાનક ગાયબ થઈ ગયું.
થોડીવાર માટે કાલુ ગભરાઈ ગયો. એ મનોમન બોલ્યો, “ઓ બાપ રે! પેલું કાળું મને એકલો મૂકીને ક્યાંક છુપાઈ ગયું! હવે જો એ પાછળથી આવીને મારી ટૂંકી પૂંછડી ખેંચશે તો?” એમ વિચારી એણે પોતાની પૂંછડી બે પગની વચ્ચે દબાવી દીધી! એટલામાં પવન ફૂંકાયો – ‘સરરરપ સરરરપ’ પેલું વાદળ પણ પવનની પાછળ પાછળ દોડ્‌યું. સૂરજદાદા પાછા હસ્યા અને તડકો ચમક્યો.
‘તડકો પડતાં જ પેલું કાળિયું ફરી પ્રગટ થયુંપ ઝૂઉઉપપપ!’ પેલું કાળું કૂતરું ફરીથી કાલુના પગ નીચે દેખાયું. કાલુ રાજીના રેડ થઈ ગયો. એ સમજી ગયો કે આ કોઈ બીજું નથી, પણ મારો જ ખાસ ભાઈબંધ છે, જે એને ક્યારેય એકલો મૂકતો નથી!
કાલુ એના પડછાયા સાથે જ ‘ભાઉં-ભાઉં’ કરતો કૂદવા, નાચવા ને દોડવા લાગ્યો.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭