જૂનાગઢ જિલ્લાના કેશોદ વિસ્તારમાં આવેલા કિંગડમ વોટરપાર્કમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. વોટરપાર્કમાં પરિવાર સાથે ફરવા અને મોજમસ્તી કરવા ગયેલા ૮ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ બાળક પરિવાર સાથે વોટરપાર્કમાં નાહવા માટે ગયો હતો. દરમિયાન તે પાણીમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં વોટરપાર્કના કર્મચારીઓ અને પરિવારજનો દ્વારા બાળકને બહાર કાઢી સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો. જાકે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોત બાદ પરિવારજનોએ વોટરપાર્કની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ઘટનાસ્થળે પૂરતી દેખરેખ, લાઇફગાર્ડની હાજરી અને સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા વોટરપાર્કના સંચાલકો, કર્મચારીઓ અને હાજર સાક્ષીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાના ચોક્કસ કારણો સામે આવશે.
આ દુર્ઘટનાએ ફરી એકવાર જાહેર મનોરંજન સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો અને વાલીઓ દ્વારા પણ બાળકોની સુરક્ષા માટે વધુ કડક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.