પહેલાં નાગરિકોને પોતાની સમસ્યાઓ માટે નગરપાલિકા કચેરીના ધક્કા ખાવા પડતા હતા, છતાં સમયસર ઉકેલ મળતો ન હતો. પરંતુ હવે નગરપાલિકાની નવી ટીમે પરિસ્થિતિ બદલી નાખી છે. પ્રમુખ, ચીફ ઓફિસર અને નગરસેવકો લાઠી રોડ, રામ રેસિડન્સી, ધર્મનગર અને હનુમાનપરા જેવા વિસ્તારોમાં સીધો જનસંપર્ક કરી સ્થળ મુલાકાત લઈ રહ્યા છે. તેઓ પાણી, ગટર, સફાઈ અને રોડ-રસ્તાની સ્થિતિનું જાતે નિરીક્ષણ કરીને સંબંધિત વિભાગોને તાત્કાલિક કામગીરી કરવા કડક સૂચનાઓ આપી રહ્યા છે. ખાસ કરીને ધર્મનગરમાં પાણી ભરાવાની સમસ્યાનું ત્વરિત નિવારણ કરાયું હતું. નગરસેવકો દ્વારા લોકોની વચ્ચે જઈને પ્રશ્નો ઉકેલવાની આ સરાહનીય કામગીરીને નાગરિકોએ સન્માનપૂર્વક આવકારી છે.