સાવરકુંડલા મહુવા બાયપાસ રોડ પર આવેલ ચોકડી પાસે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સાવરકુંડલાની આસોપાલવ સોસાયટી, હાથસણી રોડ ખાતે રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા ૪૮ વર્ષીય જીતેન્દ્રભાઇ કેશવભાઇ રાઠોડ પોતાના મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. એક પીળા રંગના ટ્રકના ચાલકે પોતાના હવાલાનું વાહન અત્યંત બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવીને જીતેન્દ્રભાઇના મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ચાલકે મોટરસાયકલને ઓવરટેક કરવાનો પ્રયાસ કરીને ફરિયાદીના બંને પગ પર ટ્રકના ટાયર ચડાવી દીધા હતા. આ ભયાનક અકસ્માતના કારણે ફરિયાદી જીતેન્દ્રભાઇને બંને પગના નળાના તેમજ પોચાના ભાગે, જમણા હાથના ખભા, બાવડા અને કોણીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતને લીધે તેમના હાથ અને બંને પગમાં ફ્રેક્ચર સહિત શરીરે નાની-મોટી અન્ય ઈજાઓ થઈ છે. અકસ્માત સર્જ્યા બાદ પીળા રંગના ટ્રકનો ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ મામલે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ એન. એન. ખસતીયા દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.