પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિના જતન માટે ધામેલ ગામને સંપૂર્ણ હરિયાળું બનાવવાના મક્કમ સંકલ્પ સાથે “ગ્રીન ધામેલ અભિયાન”નો રવિવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગામના પ્રબુધ્ધ નાગરિકો, પર્યાવરણ પ્રેમીઓ, દાતાઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરીને આ લોકઅભિયાનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ અભિયાનની સૌથી મોટી સફળતા એ છે કે માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં ૩,૦૦૦ જેટલા વૃક્ષો ઉગાડવા અને તેના ઉછેર માટેના દાતાઓ ગામમાંથી જ મળી રહ્યા છે. હજી પણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ છે, જેને જોતાં ટૂંક સમયમાં જ ૫૦૦૦ વૃક્ષારોપણનો લક્ષ્યાંક પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગામના મુખ્ય દાતા અશોકભાઈ ડુંગરાણી તથા છગનભાઈ સિમેડિયા, સદ્દભાવના
વૃધ્ધાશ્રમથી વિશાલભાઈ માંગુકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી, ડીવાય.એસ.પી, જિલ્લા પંચાયત સભ્ય રેશભાઈ ડોંડા, લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો, પી.આઈ., દામનગરના આર.એફ.ઓ, ફોરેસ્ટ ટીમ, ગીર ગંગા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ. સુરતથી વતનપ્રેમી વિનુભાઈ બલર, અતુલભાઈ ગોગદાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર અભિયાનમાં સુરતની જાણીતી ‘ગ્રીન આર્મી ટીમ’ના મનસુખભાઈ કસોદરીયાનું ટેકનિકલ માર્ગદર્શન મળી રહ્યું છે. આ કાર્યક્રમમાં ગામના સંતો, શિક્ષકો, સરપંચ તેમજ દરેક પરિવારના આગેવાનો જોડાયા હતા.









































