ખાંભા તાલુકાના મોટા બારમણ ગામમાં પ્રેમલગ્નના મનદુઃખને કારણે યુવક અને તેની પત્ની પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ મોટા બારમણ ગામના બાવકુભાઈ ભાણાભાઈ બોરીચા (ઉં.વ.૩૨), જે ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે, તેમણે ફરિયાદ નોંધાવી છે કે તેમણે જ્ઞાતિ બહાર પ્રેમલગ્ન કર્યા હોવાથી કેટલાક લોકો તેમની સામે મનદુઃખ રાખતા હતા અને અવારનવાર હેરાનગતિ કરતા હતા. ફરિયાદ અનુસાર, ભરતભાઈ ભાણાભાઈ બોરીચા અને મંગળુભાઈ આપાભાઈ ચાંદુ તેમના ઘર પાસે હાથમાં લોખંડના પાઇપ લઈને આવ્યા હતા. બંનેએ ફરિયાદી તથા તેમની પત્નીને ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. દરમિયાન ભરતભાઈએ લોખંડના પાઇપથી ફરિયાદીના જમણા પડખાના ભાગે માર માર્યો હતો. જ્યારે મંગળુભાઈએ ફરિયાદીના વાળ પકડી તેમનું માથું દરવાજા સાથે અથડાવી ઈજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ બંનેએ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









































