સાવરકુંડલાની અંબિકા સોસાયટીમાં કાર્યરત ‘મમતા ઘર’ નો દ્વિતીય વાર્ષિકોત્સવ આગામી ૧૧ જૂન ને ગુરુવારે બપોરે ૪ થી ૭ દરમિયાન યોજાશે. સાવરકુંડલા સદ્ગુરુ સેવા ટ્રસ્ટ અને મંજુલાબેન દુધરેજીયાના સહયોગથી ચાલતી આ સંસ્થા છેલ્લા બે વર્ષથી છેવાડાના વિસ્તારોના આર્થિક રીતે નબળા અને અનાથ એવા ૧૦૦ થી વધુ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ, ભોજન અને વસ્ત્રો પૂરા પાડે છે. આ મહોત્સવમાં મહામંડલેશ્વર જસુબાપુ, ઉષામૈયા, ભક્તિરામબાપુ, નારાયણદાસ સાહેબ અને કરશનગિરિબાપુ જેવા સંતો આશીર્વચન પાઠવશે. કાર્યક્રમ દરમિયાન નારી અદાલતના હેતલબેન જોષી અને કનુભાઈ ગેડીયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સાંસ્કૃતિક કૃતિઓ, ઇનામ વિતરણ તેમજ સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવશે.









































