જાફરાબાદમાં પીજીવીસીએલ દ્વારા અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે બે મહત્વપૂર્ણ અંડરગ્રાઉન્ડ કેબલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો પ્રારંભ જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યો હતો. યોજનાના ભાગરૂપે પીપળીકાંઠા સિટી ફીડર અને જીએચસીએલ સિટી ફીડર માટે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પીપળીકાંઠા ફીડરમાં ૬.૪ કિલોમીટર અને જીએચસીએલ ફીડરમાં ૧૮.૨ કિલોમીટર લાંબા કેબલનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. જીએચસીએલ સિટી ફીડરનું કામ મીતીયાળા સબસ્ટેશનથી જાફરાબાદના વાપળીયા સુધી કરવામાં આવશે, જ્યારે પીપળીકાંઠા ફીડરનું કામ મીતીયાળા સબસ્ટેશનથી સામા કાંઠા વિસ્તાર સુધી થશે. ટીંબી યાર્ડ ખાતે યોજાયેલા સમારોહમાં સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટથી વિસ્તારમાં વધુ વિશ્વસનીય અને સુવ્યવસ્થિત વીજ પુરવઠો ઉપલબ્ધ બનશે.










































