૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં સર્જાયેલી એઆઇ-૧૭૧ વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડીયાની ફ્લાઇટ અકસ્માતનો ભોગ બનતા સેંકડો પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આજે આ કરુણ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ પીડિત પરિવારો માટે સમયનો આ અંતરાલ પણ તેમના ઘાવોને ભરી શકયો નથી. પ્રથમ વર્ષગાંઠે મૃતકોને યાદ કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં લાગણીસભર વાતાવરણ વચ્ચે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્લેન ક્રેશની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે મૃતકોના પરિવારજનો અને નજીકના સગા-સંબંધીઓ દુર્ઘટના સ્થળ નજીક એકત્રિત થયા હતા. અહીં તેમણે પોતાના સ્વજનોને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન અનેક લોકો ભાવુક બન્યા હતા અને પોતાના પ્રિયજનો સાથે જાડાયેલી યાદોને તાજી કરી હતી.
આ પ્રસંગને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સ્થળ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.
આ દુર્ઘટનામાં બ્રિટન સાથે સંકળાયેલા અનેક મુસાફરોના પણ જીવ ગયા હોવાથી બ્રિટિશ પ્રતિનિધિમંડળે પણ ઘટનાને યાદ કરી હતી. બ્રિટિશ હાઇ કમિશનર લિન્ડી કેમરોને અમદાવાદ પહોંચી દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. બ્રિટિશ હાઇ કમિશનના અન્ય સભ્યો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને પુષ્પ અર્પણ કરીને દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને યાદ કર્યા હતા.
આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હતું. ઘટનાની પ્રથમ વર્ષગાંઠે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે વિજય રૂપાણીના જાહેર જીવન, તેમના નિર્ણાયક નેતૃત્વ અને ગુજરાતના વિકાસ માટે કરેલા યોગદાનને યાદ કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રૂપાણીનું જાહેર જીવન રાજ્યના રાજકીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને તેમની સેવાઓ હંમેશા યાદ રહેશે.
અમદાવાદ પ્લેન ક્રેશ માત્ર એક અકસ્માત નહોતો, પરંતુ અનેક પરિવારો માટે ક્યારેય ન ભરાય એવો ઘાવ બની ગયો હતો. એક વર્ષ બાદ પણ મૃતકોના પરિવારજનો માટે એ દિવસની યાદો એટલી જ જીવંત છે. જાકે રાજ્ય સરકાર અને વિવિધ સંસ્થાઓ હવે આ દુઃખદ સ્થળને વિકાસ, સેવા અને માનવ કલ્યાણના કેન્દ્રમાં ફેરવવાના પ્રયાસો કરી રહી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોની સ્મૃતિને સન્માન આપવાનો આ એક અનોખો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે
અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે પ્લેન ક્રેશ દુર્ઘટનાની પ્રથમ વર્ષગાંઠે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દુર્ઘટનામાં કોલેજના વિદ્યાર્થીઓ સહિત ૨૬૦ લોકોના મોત થયા હતા. કાર્યક્રમમાં મંત્રી દર્શના વાઘેલા, સાંસદ દિનેશ મકવાણા, મેયર હિતેશ બારોટ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સિવિલ સુપરિટેન્ડન્ટ ડા. રાકેશ જાષી, વિદેશી પ્રતિનિધિઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ દિવંગત આત્માઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા તેમજ બે મિનિટનું મૌન પાળી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
બી. જે. મેડિકલ કોલેજ ખાતે આજે સવારે પૂર્વ સ્વ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દિકરી રાધિકા મિશ્રા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પિતા અને અન્ય તમામ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. રાધિકા મિશ્રાએ માત્ર પુષ્પાંજલિ અર્પણ કરી એટલું જ નહીં, પરંતુ માનવતાના કાર્યો દ્વારા પોતાના પિતાને અંજલિ આપી હતી. તેમણે કોલેજ કેમ્પસમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતુ. સાથે સાથે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી.
આ પ્રસંગે ભાવુક થયેલા રાધિકા મિશ્રાએ જણાવ્યું કે, “આજે પપ્પાને અમારી વચ્ચેથી ગયાને એક વર્ષ પૂરું થયું છે, પરંતુ આજે પણ તેઓ લોકોના હૃદયમાં જીવંત છે. લોકો આજે પણ તેમને યાદ કરે છે તે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. પપ્પાનું હંમેશા એક જ સપનું હતું કે ગુજરાત અને સમગ્ર ભારત દેશ સર્વાંગી પ્રગતિ અને વિકાસ કરે. તેમના માર્ગદર્શનમાં જે સેવાકીય કાર્યો અને જનકલ્યાણની યોજનાઓ શરૂ કરવામાં આવી હતી, તેને અમે આગળ ધપાવવા માટે કટિબદ્ધ છીએ.”