બાબરામાં પાડોશીઓ વચ્ચે પાણી ભરવા જેવી સામાન્ય બાબતમાં બબાલ થઈ હતી, જેમાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી.પ્રથમ પક્ષે રેશ્માબેન રજાકભાઇ ડેરૈયાએ કમુબેન ભરતભાઇ ચાવડા, કમુબેનના જમાઇ કિશનભાઇ, આશાબેન કિશનભાઇ દામાણી તથા ક્રિષ્નાબેન ભરતભાઇ ચાવડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ઘરની બાજુમાં એક બંધ મકાન આવેલું છે, જેમાં નગરપાલિકાનું પાણી આવ્યું હતું. તેમણે ત્યાંથી પાણી ભરી લીધા બાદ અન્ય એક પાડોશીને પણ ત્યાંથી પાણી ભરી લેવા જણાવ્યું હતું. આ બાબત પાડોશમાં જ રહેતા કમુબેન ચાવડાને સારી ન લાગતાં તેમણે બેફામ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જે બાદ કમુબેનના જમાઇ કિશનભાઇએ તેમના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને લોખંડના દસ્તાનો ઘા મારીને મૂઢ ઇજા પહોંચાડી હતી. એટલું જ નહીં, આરોપીએ વચ્ચે બચાવવા આવેલા સાહેદને પણ માથાના ભાગે લોખંડના દસ્તાના બે ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થઈ હતી, જેના કારણે માથામાં બે ટાંકા આવ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ છૂટા પથ્થરોના ઘા મારીને પણ મૂઢ ઇજા પહોંચાડી હતી.સામે પક્ષે આશાબેન કિશનભાઇ દામાણીએ રેશ્માબેન રજાકભાઇ, અયાન રજાકભાઇ તથા રીયાઝ રજાકભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના ઘરની સામે આવેલા બંધ મકાનનો નળ તેમણે પોતાના ખર્ચે રિપેર કરાવ્યો હતો. જો કે, તે નળમાંથી આરોપી રેશ્માબેન પાણી ભરી રહ્યા હતા અને પોતાનું પાણી ભરાઈ ગયા બાદ તેમણે અન્ય પાડોશીને પાણી ભરવા આપી દીધું હતું. આથી તેમણે આરોપીને ટોકતાં કહ્યું કે, ‘આ નળ અમે રિપેર કરાવ્યો છે, તેથી પહેલા અમારે પાણી ભરવાનું હોય.’ આ વાત ન ગમતાં આરોપીઓએ જેમ-ફાવે તેમ ગાળો ભાંડી હતી અને છૂટા પથ્થરોના ઘા મારી મૂઢ ઇજા કરી હતી. આ ઉપરાંત આરોપી અયાન રજાકભાઈએ સાહેદને ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે રીયાઝ રજાકભાઈએ તેમને ગાળો આપી, એક ઝાપટ મારી મૂઢ ઇજા પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.










































