ગોધરામાં એક કાર્યક્રમ દરમિયાન કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ શિક્ષકો અને સરકારી કર્મચારીઓની કાર્યશૈલી અંગે એક વિવાદિત નિવેદન આપતા રાજ્યભરના શિક્ષક સંગઠનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. મંત્રી રમેશ કટારાનું નિવેદન સોશિયલ મીડિયા અને શૈક્ષણિક આલમમાં વાયરલ થતાં જ ભારે વિવાદ સર્જાયો હતો. આ નિવેદન સામે શિક્ષકો વિરોધ કરવા લાગ્યા હતા. શિક્ષકો મુદ્દે કરાયેલા આ નિવેદનને લઈને શિક્ષકોની લાગણી દુભાઈ હતી અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મંત્રી રમેશ કટારા માફી માંગે એવી માંગ કરાઈ હતી. જાકે, હવે કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ શિક્ષકોની માફી માંગી છે.
શિક્ષકોની માફી માંગતા કૃષિ મંત્રી રમેશ કટારાએ કહ્યું કે, ‘નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું, ત્યારે મારા વક્તવ્યમાં મારાથી કંઈ બોલાઈ ગયું હોય, તો હું શિક્ષક મિત્રોની માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછા ખેંચું છું.’
તાજેતરમાં ગોધરા ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા દ્વારા શિક્ષકોને લઈને એક ટિપ્પણી કરવામાં આવી હતી. જે સોશિયલ મીડિયા અને શૈક્ષણિક આલમમાં વાયરલ થતાં જ વિવાદ શરૂ થયો હતો. મંત્રી રમેશ કટારાએ શિક્ષકો પર નિશાન સાધતા કહ્યું હતું કે, “અત્યારે ૧૦-૧૦ પગારપંચ અને નાણાપંચ મળી ગયા છે, છતાં પણ કેટલાક લોકોની ભૂખ નથી ભાગતી. તમારા વડીલોને પૂછો, તેઓ ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયામાં નોકરી કરતા હતા. આજે વધુ પગાર મળવા છતાંય શિક્ષકો સરકાર સામે વિરોધ કરતા હોય છે.” તેઓેએ એવું પણ કહ્યું હતું કે, ઘણી વખત શિક્ષકો વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે મોબાઈલમાં જ વ્યસ્ત જાવા મળે છે.
કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાનું આ નિવેદન વાયરલ થતાં જ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે તેનો સખત વિરોધ નોંધાવ્યો છે. એટલું જ નહીં મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર પણ લખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં આ નિવેદનને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, અસંવેદનશીલ અને તથ્યવિહીન ગણાવ્યું છે. મહાસંઘે મુખ્યમંત્રી સમક્ષ કડક માંગ કરી હતી કે મંત્રી રમેશ કટારા જાહેરમાં શિક્ષક સમાજ અને કર્મચારી વર્ગની માફી માંગે. સંઘે ચેતવણી આપી હતી કે જા સરકાર આ મુદ્દે તાત્કાલિક કોઈ હકારાત્મક પગલાં નહીં લે, તો શિક્ષકો અને કર્મચારીઓ મજબૂર બનીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી મંત્રી અને સરકારની રહેશે.